દેશના કોઈ ખૂણે મહિલાઓ સુરક્ષિત નથી !! મહિલાઓ ઉપર અત્યાચાર નોનસ્ટૉપ
કોલકાતા પછી હવે દેહરાદૂન, મુંબઇ, નંદીગ્રામ, બેંગલોર અને લંડન
કોલકાતાની ઘટનાએ કરોડો ભારતીયોને શર્મસાર કર્યા છે અને આ ઘટનાના વિરોધમાં માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ દેખાવો થયા છે. આવી ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે ઉગ્ર રજુઆતો થઇ રહી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આવી ઘટનાઓ બંઘ થતી જ નથી. એક તરફ કોલકત્તાની ઘટનાની શ્યાહી હજુ તાજી જ છે ત્યાં દહેરાદુનમાં એક નર્સ ઉપર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી છે, મુંબઈમાં એક મહિલા ડોક્ટર ઉપર કેટલાક લોકોએ દારુ પીને હુમલો કર્યો હતો અને દુર્વ્યવહાર કર્યો હતો સાથોસાથ બંગાળના નંદીગ્રામમાં એક મહિલાને નિર્વસ્ત્ર કરીને રોડ ઉપર ઢસડવામાં આવી હતી. લંડનમાં પણ એર ઇન્ડીયાની ક્રૂ મેમ્બર સાથે કોઈએ હોટેલમાં દુર્વ્યવહાર કર્યાના સમાચારો મળી રહ્યા છે. આપણા દેશમાં પુરુષોને થયું છે શું તેવો સવાલ કરવો પડે તેવી આઘાતજનક સ્થિતિ દેશમાં બની રહી છે. નારી તું નારાયણી કહેનાર સમાજ એકાએક પશુઓને પણ શરમાવે તેવો જંગલી અને અધમ પાપાચાર મહિલાઓ સાથે કરી રહ્યો છે. કોલકત્તાની ઘટના પર બબાલ ચાલુ જ છે ત્યાં દેશના અલગ અલગ સ્થળો પર મહિલાઓ સાથે અત્યાચારની રવિવારે ૪ ઘટનાઓ બહાર આવી હતી. જે પણ શરમજનક છે.
મુંબઇમાં મહિલા તબીબ પર હુમલો
કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી જઘન્ય ઘટના બાદ પણ મેડિકલ સ્ટાફ પર મારપીટના કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા. મુંબઈની સાયન હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રવિવારે વહેલી સવારે મારપીટનો મામલો સામે આવ્યો હતી. દર્દીના પરિવારજનોએ મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હુલાખોરો દારૂ પીધેલા હતા. પીડિત મહિલા ડૉક્ટરનો આરોપ છે કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મોડી રાત્રે સાયન હોસ્પિટલમાં આવી હતી. આ વ્યક્તિને ઉંડી ઈજાઓ થઈ હતી. આ દર્દી સાથે એક મહિલા પણ હતી. સારવાર દરમિયાન દર્દી અને તેના પરિવારજનો કોઈ વાતને લઈને ગુસ્સે થઈ ગયા હતા. તેણે મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક શરૂ કરી. મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ પણ કરી.
તબીબોએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વોર્ડમાં પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દી અને તેના પરિવારના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા. સાયન હોસ્પિટલના ડોક્ટર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવા સાયન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ ઉપરાંત પોલીસે ફરાર દર્દી અને એટેન્ડન્ટને પકડવા માટે એક અલગ ટીમ પણ બનાવી છે. પોલીસનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ફરાર દર્દી અને એટેન્ડન્ટની ધરપકડ કરશે. આ કેસમાં તમામ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવશે અને કાયદા અનુસાર સજા પણ કરવામાં આવશે.
દેહરાદૂનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
કોલકાતામાં લેડી ટે્રઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલા બાદ દેહરાદૂનમાંથી એક હૃદયદ્રાવક ઘટના રવિવારે સામે આવી હતી. જ્યાં મુરાદાબાદની એક કિશોરી પર દેહરાદૂનમાં બસમાં સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળ કલ્યાણ સમિતિની ટીમે બાળકીને ઘટના સ્થળેથી બેભાન શોધી કાઢી હતી. ૫ બદમાશોએ સગીરા સાથે મોઢું કાળું કર્યું હતું. કાઉન્સેલિગ બાદ સમિતિએ પોલીસ ચોકીમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ ઘટનાનો ખુલાસો કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓ સામે કલમ ૭૦(૨) બીએનએસ ૫(જી)/૬ પોકસો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં એમ બહાર આવ્યું હતું કે બસ ખાલી થયા બાદ લગભગ પાંચ લોકોએ બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપી યુવતીને બસમાંથી ઉતારીને ફરાર થયા હતા. બાળ કલ્યાણ સમિતિની હેલ્પલાઇન ટીમને બાળકી ચિત્તભ્રમિત હાલતમાં મળી હતી. જ્યારે સમિતિએ યુવતીનું કાઉન્સેલિગ કર્યું ત્યારે તેણે પોતાની આપવીતી સંભળાવી હતી.
બસ ખાલી થયા બાદ ડ્રાઈવર અને કંડક્ટર તેને વર્કશોપમાં લઈ ગયા અને દુષ્કર્મ કર્યું હતું. આ બંને કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ત્યારપછી બીજી રોડવેઝ બસના ડ્રાઈવર અને કંડક્ટરને આ વાતની જાણ થતાં બંનેએ યુવતી સાથે મોઢું કાળું કર્યું હતું. આટલું જ નહીં, જ્યારે રોડવેઝના કેશિયરને આ વાતની જાણ થઈ તો તેણે પણ યુવતીને હવસનો શિકાર બનાવી હતી.
બંગાળમાં મહિલાને નિર્વસ્ત્ર કરી માર માર્યો
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મહિલા સાથે અત્યાચાર બદલ ભાજપના એક બૂથ પ્રમુખની પોલીસે ધરપકડ કરી હતી. આરોપ છે કે તપસ દાસ નામના આ ભાજપ નેતાના સહયોગીઓ એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેનું ઉત્પીડન કર્યું હતું. તેણીને નિર્વસ્ત્ર કરીને રોડ પર ઢસડી માર માર્યો હતો. જોકે આ મામલે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પીડિત મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાઈ હતી. ભાજપના નેતા તપસ પર આરોપ છે કે તેણે અન્ય લોકો સાથે મળીને આ પીડિત મહિલાને નગ્ન કરીને રોડ પર ઢસડી હતી અને જાહેરમાં તેને માર માર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસએ એક પ્રતિનિધિમંડળને આ ઘટનાની તપાસ માટે મોકલ્યું છે. આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી.
ભાજપ આ મામલે દાવો કરે છે કે આ એક પારિવારિક વિવાદનો મામલો હતો અને તેને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. ઘટના ગોકુલનગરના પંચાનનતાલાની છે. ઈજાગ્રસ્ત મહિલાને નંદીગ્રામની એક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પીડિતાએ પણ આરોપ મૂક્યો હતો કે શુક્રવારે રાતે હું અને મારા બે બાળકો ઘરે જ હતા. ત્યારે અમુક લોકો બળજબરીપૂર્વક મારા ઘરમાં ઘૂસ્યા અને મને ઢસડીને બહાર લઈ ગયા.
તેના પછી આખા ગામમાં તેને ઢસડવામાં આવી અને તેને નગ્ન કરી દેવામાં આવી. હું પહેલા ભાજપમાં હતી અને પછી તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા પણ મારા પર હુમલો કરાયો હતો અને મેં પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે આ મામલે ભાજપના નેતાઓ કહે છે કે અમારે આ ઘટનાથી કોઈ લેવા દેવા નથી. ભાજપને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.
બેંગલોરમાં યુવતી સાથે દુષ્કર્મ: લિફ્ટ માંગી અને બનાવ બન્યો
રવિવારે બેંગલોરમાં પણ યુવતી સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ કર્યાની ઘટના બની હતી. ૨૧ વર્ષની સ્ટુડન્ટ પાર્ટીમાં ભાગ લઈને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેણીએ એક અજાણ્યા બાઈકસવાર પાસે લિફ્ટ માંગી હતી. આ શખસ ઘરે મૂકવા જવાને બદલે યુવતીને એક સુનસાન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે એવી માહિતી આપી હતી કે આ ઘટનામાં થોડો સંદેહ છે. બનાવની બારીક તપાસ ચાલી રહી છે. રવિવારે વહેલી સવારે યુવતીએ પાર્ટી પતાવી ઘરની વાટ પકડી હતી અને લિફ્ટ માંગી હતી. આરોપીને પોલીસ શોધી રહી છે. તેની પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે.
એર ઇન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર હુમલા બાદ કથિત દુષ્કર્મ
લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલાની ઘટના બની હતી. લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે આવેલી રેડિસન રેડ હોટેલમાં ગુરુવારે રાત્રે ઘૂસણખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેબિન ક્રૂ પર બળાત્કાર થયો હતો. જો કે આ મામલે લંડન પોલીસની તપાસ ચાલુ છે. આ ઘટના લંડનની જાણીતી રેડિસન રેડ હોટેલ ચેઈનના રૂમમાં બની હતી. એર ઈન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એવા અહેવાલ છે કે મહિલા કેબીન ક્રૂ પર હિસક હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું હતું. એરલાઈને કહ્યું કે એરલાઈન્સ માત્ર તાત્કાલિક સહાય જ નહીં પરંતુ પીડિત અને તેના સાથીદારોને આઘાતજનક ઘટનામાંથી બહાર આવવામાં મદદ કરવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિગ પણ કરી રહી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, “ક્રૂ મેમ્બર સૂઈ રહી હતી, એક ઘૂસણખોરે તેના રૂમમાં લગભગ ૧.૩૦ વાગ્યે તેના પર હુમલો કર્યો. ચોંકી, તે જાગી ગઈ અને મદદ માટે ચીસો પાડી. હુમલાખોરે તેના પર કપડાના હેંગર વડે હુમલો કર્યો અને જયારે તેણે ભાગવાની કોશિશ કરી હુમલાખોરે તેણે પકડીને ફ્લોર પર ઢસડી.”
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા તેના ક્રૂ અને સ્ટાફના સભ્યોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. એક મોટી આંતરરાષ્ટ્રીય ચેઈન દ્વારા સંચાલિત હોટલમાં ઘૂસણખોરીની ગેરકાનૂની ઘટનાથી અમે ખૂબ જ દુખી છીએ, જેના કારણે અમારા ક્રૂના સભ્યોને નુકશાન પહોંચ્યું છે.
એર ઈન્ડિયાએ કહ્યું કે લંડન પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એરલાઈને ક્રૂ મેમ્બર સાથે બળાત્કાર થયો હોવાના અહેવાલો પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
કોલકાતાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન આવતીકાલે સુનાવણી
સુપ્રીમ કોર્ટે કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાનું સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ મંગળવાર, ૨૦ ઓગસ્ટે કેસની સુનાવણી કરશે. સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની તપાસસીબીઆઈ પાસે છે. ન્યાય અપાવવા અને ઝડપી કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટ બધાનો જવાબ માંગશે. મેડિકલ કોલેજની હત્યાની ઘટના બાદ દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન કોલકાતા પોલીસે આર.જી. હોસ્પિટલની આસપાસ કલમ ૧૬૩ લાગુ કરી છે. કોલકાતા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “૧૮ ઓગસ્ટથી આગામી ૭ દિવસ માટે આર.જી. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, ૨૦૨૩ હેઠળ કલમ ૧૬૩ હોસ્પિટલની આસપાસ લાગુ કરવામાં આવી છે. “આ સમયગાળા દરમિયાન ત્યાં કોઈ સભા, ધરણા કે રેલીને મંજૂરી આપવામાં આવશે નહીં.”