25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર
૨૦ ડીસેમ્બર સુધી સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જામશે વાકયુધ્ધ
૨૩ નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી જાય પછી તુરંત જ એટલે કે ૨૫ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરુ થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલી શકે છે. 26 નવેમ્બરે લોકસભા અને રાજ્યસભા બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે છે.
બંધારણના 75 વર્ષ પૂરા થવાના અવસર પર 26 નવેમ્બરે સંયુક્ત સત્ર બોલાવી શકાય છે. આ સ્પેશિયલ સંયુક્ત બેઠક વ્યવસ્થા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવી શકે છે. આ સ્થળે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પહેલાં 26 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઉજવાતો હતો, પરંતુ 2015માં નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રોચક વાત એ છે કે સત્તાધારી એનડીએ અને વિપક્ષી ગઠબંધન એનડીએ બંને ખુદને બંધારણના રક્ષક ગણાવે છે, તેમજ બંને પક્ષો એકબીજાને બંધારણના દુશ્મન તરીકે પ્રચાર કરવામાં કોઈ કરકસર છોડતા નથી.