પશુઓના ઓડકાર અને ગેસ ઉપર ટેક્સ લગાવવાથી ગ્લોબલ વોર્મિંગ અટકી જશે ?? વાંચો ડેનમાર્કની વિચિત્ર યોજના વિશે
ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ યુનિવર્સલ ઇસ્યુ છે. દરેક દેશ માટે એ પડકાર છે. વધુ પડતો વરસાદ, અસહ્ય ગરમી, ઠંડી-ગરમીનું અસંતુલન આપણે સૌ ભોગવી રહ્યા છીએ. માટે આબોહવાને કાબુમાં લેવા અને વાતાવરણને બગડતું અટકાવવા માટે જે રાજ્યને જે સુઝે તેવા પ્રયત્નો કરતા રહે છે. ગ્લોબલ વોર્મિંગમાં નોંઘપાત્ર ફાળો કેટલ એટલે કે ઢોરઢાંખરનો પણ છે. કારણ કે તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝ યુક્ત ઘાસ ખાય અને પછી તેને ચાવી ચાવીને પાચન કરે જેમાંથી ગેસનું ઉત્સર્જન બહુ થાય.
ડેનમાર્ક પાસે બહુ મોટું પશુધન છે. બહુ બધા દુધાળા પશુઓ છે. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ત્યાની સરકાર્રે અસામાન્ય અભિગમની યોજના બનાવી છે – પશુઓના ઓડકાર અને પેટના ગેસમાંથી ઉત્સર્જીત થતા મિથેન પર ટેક્સ લગાવવાનો વિચાર છે. 2030 થી શરૂ કરીને, આ દેશ પશુધન પર વિશ્વનો પ્રથમ ‘ઉત્સર્જન કર’ લાગુ કરશે. પરંતુ બર્પ્સ અને ફાર્ટ્સ પર ટેક્સ કેવી રીતે પર્યાવરણ માટે લાભ્ડાઈ નીવડશે?
મિથેન ઉત્સર્જન: એક વિકરાળ સમસ્યા
કાર્બન ડાયોક્સાઇડ (CO2) પછી મિથેન સૌથી વધુ ખરાબ ગ્રીનહાઉસ ગેસ છે અને તે વૈશ્વિક ઉત્સર્જનના લગભગ 16% માટે જવાબદાર છે. જો કે, તે વધુ પોટેન્ટ છે – તે 100-વર્ષના સમયગાળામાં CO2 કરતાં 28 ગણી વધુ અસરકારક રીતે ગરમીનું વાહન કરે છે. 20 વર્ષના સમયગાળામાં તે કાર્બન ડાયોક્સાઈડ કરતા ૮૪ ગણી વધુ વખત ગરમીનું વહન કરે.
બધા જીવો માટેની ફૂડ-સીસ્ટમ વિશ્વભરના તમામ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ એક ચતુર્થાંશ યોગદાન આપે છે, જેમાં પશુધન માનવ પ્રવૃત્તિઓને કારણે થતા મિથેન ઉત્સર્જનમાં 32% હિસ્સો ધરાવે છે. હકીકતમાં, ગ્રહની 1.5 અબજ ગાયો અને અન્ય પશુધન ઓડકાર, ફાર્ટિંગ અને ખાતર દ્વારા મિથેન ગેસ હવામાં છોડે છે.
2021 માં, યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સે ગ્લોબલ મિથેન પ્લેજ (GMP) ની શરૂઆત કરી. તે 2030 સુધીમાં 30% સુધી મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે COP26 ખાતે શરૂ કરવામાં આવ્યું. ડેનમાર્કનો નવો ટેક્સ આ મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં એક પગલું છે.
ડેન્માર્કનો લાઈવસ્ટોક ટેક્સ
ડેનમાર્ક ખેડૂતોને તેમના પશુધનમાંથી ઉત્સર્જનના આધારે ટેક્સ વસૂલશે.
- 2030 થી શરૂ : ખેડૂતો ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડ (CO2e) દીઠ 300 ક્રોનર (આશરે ₹3,580) ચૂકવશે.
- 2035 સુધીમાં: ટેક્સ વધીને 750 ક્રોનર (આશરે ₹8,951) પ્રતિ ટન થશે.
- ખેડૂતો 60% ટેક્સ રિબેટ દ્વારા તેમના ખર્ચને ઘટાડી શકે છે, ખાસ કરીને જો તેઓ ખાસ ફીડ એડિટિવ્સનો ઉપયોગ કરવા જેવી મિથેન ઘટાડવાની પદ્ધતિઓ અપનાવે તો..
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાથી 2030માં ડેનમાર્કના મિથેન ઉત્સર્જનમાં લગભગ 1.8 મિલિયન મેટ્રિક ટન CO2eનો ઘટાડો થવાની ધારણા છે.
પશુધન જ કેમ?
પશુધનનું ઉત્સર્જન મુખ્યત્વે તેમના પાચનતંત્રમાંથી થાય છે. ઉદાહરણ તરીકે, ગાયો ખોરાક પચાતી વખતે મોટા પ્રમાણમાં મિથેન ઉત્સર્જન કરે છે. તે કૃષિ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત છે.
અન્ય દેશોએ પણ આવો જ કંઇક વિચાર કર્યો છે. તત્કાલીન વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન હેઠળ ન્યુઝીલેન્ડે 2022માં ઘેટાં અને પશુઓ પર કર લાદવાની દરખાસ્ત કરી હતી, પરંતુ કૃષિ ક્ષેત્રના લોકોના વિરોધને કારણે બાદની સરકારે 2023માં આ યોજનાને રદ કરી દીધી હતી.
શું પશુધન પર ટેક્સ લગાવવો પૂરતો છે?
માત્ર કર લાદવો એ મોટી વાત નથી. નિષ્ણાતો ખેડૂતોને અનુકૂલન કરવામાં મદદ કરવા સહાયક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે. જેમ કે ખેડૂતો અને પશુમાલિકોને સુચન કરવામાં આવે છે કે જે ચારો હોય તેમાં અમુક ચોક્કસ ઉમેરણો ઉમેરવાથી ગેસનું ઉત્સર્જન ઓછું થાય. ફીડ એડિટિવ્સ પશુધનમાંથી મિથેન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉમેરણો પાચનમાં સુધારો કરે છે, તેથી મિથેનનું ઉત્પાદન ઘટાડે છે. જો કે, એ પણ સહેલું નથી. કારણ કે સરકારી સબસિડી વિના ઘણા ખેડૂતોને આ ઉમેરણો ખૂબ મોંઘા લાગી શકે છે. ચરતા અને છુટા ફરતા પ્રાણીઓ આ ફીડ એડીટીવ્સ વાળો ચારો જ ખાય છે કે કેમ તેની ખાતરી કરવી મુશ્કેલ બની શકે છે. પ્રાણીઓના પેટમાં સ્લો-રીલીઝ કેપ્સ્યુલ જેવા વિકલ્પો વિષે પણ સંશોધન ચાલુ છે.
પ્રોત્સાહન અને સમર્થન
કોર્નેલ યુનિવર્સિટીના ડેરી એનિમલ બાયોલોજીના પ્રોફેસર, જોસેફ મેકફેડન જેવા નિષ્ણાતો દલીલ કરે છે કે ખેડૂતોને અસરકારક, સલામત અને નફાકારક ઉકેલોની જરૂર છે. સરકારોએ પણ મિથેન-મિટીગેશન ટેક્નોલોજીને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ખેડૂતો અને કૃષિ ઉદ્યોગનો પ્રતિકાર સંભવિત અવરોધ છે. ઘણા લોકો વધુ ખર્ચ વિશે ચિંતા કરે છે, ખાસ કરીને મજબૂત સપોર્ટ સિસ્ટમની ગેરહાજરીમાં. વધુમાં, મિથેનના ઘટાડાની તકનીકોને વ્યાપકપણે અપનાવવાની ખાતરી કરવી એ એક પડકાર છે. ડેનિશ સરકારની પહેલ એ ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટેના વ્યાપક વૈશ્વિક પ્રયાસનો એક ભાગ છે. સૌથી મોટા ફાળો આપનાર – કૃષિ ક્ષેત્રના ઉત્સર્જનને સંબોધીને દેશો ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે.