કેજરીવાલ જેલમાં જ રહેશે કે ઘરે જશે ? 10 મીએ સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું વચગાળાના જામીન પર આદેશ આવશે
એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે સુપ્રીમ કોર્ટ 10 મેના રોજ પોતાનો આદેશ આપશે. ધરપકડ સામે કેજરીવાલની અરજીની સુનાવણી કરતી બેંચનું નેતૃત્વ કરનાર ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું, “અમે શુક્રવારે વચગાળાનો આદેશ (વચગાળાના જામીન પર) જાહેર કરીશું. ધરપકડને પડકારવા સંબંધિત મુખ્ય કેસની પણ તે દિવસે સુનાવણી થશે. કેજરીવાલ હાલ તિહાર જેલમાં બંધ છે.
આ પહેલા મંગળવારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સુનાવણી દરમિયાન વચગાળાના જામીન આપવા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. બેન્ચે વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવી અને એડિશનલ સોલિસિટર જનરલ રાજુની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સિંઘવી કેજરીવાલ વતી અને રાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થયા હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઇડી માટે હાજર થઈને, લોકસભા ચૂંટણીને કારણે કેજરીવાલ પ્રત્યે કોઈ ઉદારતા દર્શાવવાનો સખત વિરોધ કર્યો અને કહ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરને વચગાળાના જામીન આપવા એ નેતાઓ માટે એક અલગ શ્રેણી બનાવવા જેવું હશે.
બેંચે કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણીને બે ભાગમાં વહેંચી દીધી છે. કેજરીવાલની મુખ્ય અરજી ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારે છે અને તેને ગેરકાયદેસર જાહેર કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે અન્ય પાસું લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન આપવા સંબંધિત છે. વચગાળાના જામીન આપવાના મુદ્દે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.