‘પતિને છોડી દો નહીંતર એસિડ પી જઈશ’ કહી પત્નીએ પોલીસ સ્ટેશનમાં જ બ્લેડથી ચેકા માર્યા
રાજકોટની ભાગોળે લાઈટ હાઉસ 13 માળિયા ક્વાર્ટર પાસે જાહેર રસ્તા ઉપર પતિ-પત્ની ઝઘડો કરી રહ્યા હોય એક વ્યક્તિએ ઝઘડો નહીં કરવાનું કહેતાં જ પતિ-પત્નીએ તેમનો ઝઘડો મુકી એ વ્યક્તિનો ઉધડો લેવાનું શરૂ કરી દઈને છરી બતાવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કંટ્રોલરૂમ તરફથી જાણ થતાં દોડી ગયેલી પોલીસે છરી બતાવનાર શખસની અટકાયત કરી પોલીસ મથકે લઈ જતાં ત્યાં દોડી આવેલી પત્નીએ ‘મારા પતિને છોડી દો નહીંતર એસિડ પીને આત્મહત્યા કરી લઈશ’ તેમ કહીને મથકમાં જ હાથ પર બ્લેડના છરકાં મારી દેતાં પોલીસે પતિ-પત્ની બન્ને સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે આણંદપર બાગી ખાતે ખેતીવાડી કરતાં ધર્મેશ કરમસિંહભાઈ ગમારાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સવારે દસેક વાગ્યે તે ખેતરે જઈ રહ્યો હતો ત્યારે લાઈટ હાઉસ 13 માળિયા ક્વાર્ટર પાસે પતિ-પત્ની ઝઘડો કરી રહ્યા હતા.
આ ઝઘડો નહીં કરવાનું કહેતાં પતિએ તમે તમારું કામ કરો, આ અમારા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો છે કહીને ધર્મેશને * છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ધર્મેશે પોલીસ કંટ્રોલરૂમને ફોન તુરંત કરતાં પીસીઆર આવી પહોંચી હતી. આ પછી જાણવા મળ્યું કે છરી બતાવી તે શખ્સનું નામ રાધે પંકજભાઈ પરમાર અને તેની પત્નીનું નામ માલા પરમાર હતું.
રાધેને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે તેની પત્નીએ ધર્મેશને કહ્યું હતું કે તમે કેમ પોલીસને જાણ કરી, હવે તું ફરિયાદ કરીને બહાર નીકળ એટલે તને પતાવી દેવો છે.
આ વેળાએ પોલીસે શાંતિ રાખવાનું કહેતાં માલા ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગી હતી. આ વેળાએ પીઆઈ આવી જતાં તેણે માલાને સમજાવી હતી પરંતુ માલાએ પોતે મરી જશે અને બધાને જેલમાં પૂરાવી દેશે તેવું કહી પોતાની જાતે બ્લેડથી છરકાં મારી એસિડ પી જવાનો પ્રયત્ન કરતાં પોલીસે એસિડની બોટલ ઝૂંટવી લઈ તાત્કાલિક માલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.