રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના
પડધરી તાલુકાના ખાખરાબેલા ગામે પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતને લઈને થયેલી ચડભડમાં પત્નીએ જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. 27 વર્ષીય પરિણીતાને રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાવવા બાબતે પતિના ઠપકાથી માઠું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા માસૂમ બાળક માતા વિહોણો બન્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા એક વર્ષથી ખાખરાબેલા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરી કરતા લીલાબેન કલ્પેશભાઈ રાઠવા (ઉ.વ. 27) ગત રાત્રે રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે અચાનક તેલ ઢોળાઈ જતા પતિ કલ્પેશભાઈએ તેને ઠપકો આપ્યો હતો.આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ચડભડ થઈ હતી. જોકે આ વાતનું લીલાબેનને મનમાં લાગી આવતા આવેગમાં આવીરાત્રિના નવેક વાગ્યાના અરસામાં વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલત બગડતા તેને તાત્કાલિક પડધરી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવારના અંતે હોસ્પિટલના બિછાને જ તેણે દમ તોડ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
ઘટના અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક લીલાબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
