પાકિસ્તાનમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું જ કેમ ? ICC પાસે જવાબ માંગતું PCB
ઑસ્ટે્રલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર રમાયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલામાં એક એવી ઘટના બની હતી જેના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. આ મેચ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગાનને કારણે મોટો ભગો થયો હતો. અહીં ઑસ્ટે્રલિયાની જગ્યાએ ભારતનું રાષ્ટ્રગીત વાગી જતાં ચકચાર મચી જવા પામી હતી. હવે આ ઘટના બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને જવાબદાર ઠેરવ્યું છે. ગીન્નાયેલા પીસીબીએ આ મામલે આઈસીસી પાસેથી સ્પષ્ટતા માંગી છે.
આ અંગે એક પત્ર લખીને આઈસીસી પાસે જવાબ માંગવામાં આવ્યો છે. પીસીબીએ કહ્યું કે આ ભૂલ બદલ આઈસીસી જ જવાબદાર છે અને તેણે જવાબ આપવો જ પડશે. ભારતીય ટીમ પાકિસ્તાનમાં નથી રમી રહી એટલા માટે તેનું રાષ્ટ્રગીત અહીં વાગ્યું જ કઈ રીતે ?
પીસીબીએ અગાઉ પણ આઈસીસીને પત્ર લખ્યો હતો કે ભારત-બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં રમાયેલી મેચ દરમિયાન તેના નામનો લોગો ટીવી સ્ક્રીન ઉપર બતાવાયો ન્હોતો. આઈસીસીએ ત્યારે ભૂલ સ્વીકારી લીધી હતી.