CAA નો લાભ શિયા મુસ્લિમોને કેમ નહીં? માનવ અધિકાર સંગઠનોની કાગારોળ શરૂ
કાયદો મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ હોવાનો આક્ષેપ
અમેરિકા અને યુનાઇટેડ નેશને પણ ચિંતા વ્યક્ત કરી
ભારતમાં CAA નો અમલ લાગુ કરવાના નિર્ણયના આંતરરાષ્ટ્રીય પડઘાં પડ્યા છે.માનવ અધિકાર સંગઠનોએ આ કાયદાને ભેદભાવભર્યો અને મુસ્લિમ વિરોધી ગણાવ્યો છે.અમેરિકા અને યુનાઇટેડ નેશને ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. હ્યુમન રાઈટ વોચ અને એમેનેસ્ટી ઇન્ટરનેશનલ જેવા સંગઠનોએ સીએએ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી ધરાવતા શિયા મુસ્લિમો તેમજ મ્યાનમારમાં લઘુમતી ધરાવતા મુસ્લિમોનો કેમ સમાવેશ નથી કરાયો તેવો સવાલ ઉઠાવ્યો હતો.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું કે અમે 11 માર્ચે જાહેર કરવામાં આવેલી નાગરિકતા સુધારા કાયદાની સૂચના અંગે ચિંતિત છીએ. અમે આ અધિનિયમને કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ.ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો માટે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
યુનાઈટેડ નેશન્સ હાઈકમિશનર ફોર હ્યુમન રાઇટ્સ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે 2019 માં પણ આ કાયદાને મૂળભૂતરીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. આ કાયદો ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે.તેમણે ઉમેર્યું કે આ કાયદાના અમલીકરણના નિયમો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાનું પાલન કરે છે કે કેમ તેનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ.
માનવ અધિકારના હિમાયતીઓએ, આ કાયદાને સૂચિત રાષ્ટ્રીય રજીસ્ટર સાથે જોડવામાં આવશે અને ભારતના કેટલાક સરહદી રાજ્યોમાં દસ્તાવેજો વિના રહેતા મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવામાં આવશે એવો ભય વ્યક્ત કર્યો હતો.
માનવ અધિકાર સંગઠનો પહેલેથી મોદી સરકાર સામે બળાપો કાઢતા રહ્યા છે
માનવ અધિકાર સંગઠનો 2014 માં મોદીએ સત્તા સંભાળ્યું તે પછી મુસ્લિમો સાથે દુર્વ્યવહાર થતો હોવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ગેરકાયદે બાંધકામો દૂર કરવાને નામે મુસ્લિમોની મિલકતો તોડી પાડવામાં આવતી હોવાથી માંડીને હિજાબ પ્રકરણ તેમજ કાશ્મીર માંથી 370 મી કલમ દૂર કરવા સુધીના મામલે આ સંગઠનો કાગારોળ મચાવતા રહ્યા છે.અમેરિકા દ્વારા પણ દર વર્ષે બહાર પાડવામાં આવતા રિલિજિયસ ફ્રીડમ રિપોર્ટમાં ભારતની આકરી ટીકા કરવામાં આવે છે
ઘર આંગણે ત્રણ રાજ્યોએ વિરોધ ભલે કર્યો પણ અમલ કર્યા વગર છૂટકો નથી
કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ ની સરકારોએ સીએએ કાયદાનો વિરોધ કર્યો છે અને પોતાના રાજ્યોમાં તેનો અમલ નહીં કરવાની ડંફાસ મારી રહ્યા છે પણ બંધારણના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ રાજ્યોએ પણ તેનો અમલ કર્યા વગર છૂટકો નથી.
ભારતના બંધારણમાં કેન્દ્ર સરકારના અધિકારો, રાજ્ય સરકારના અધિકારો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત અધિકારો વિશે વિસ્તૃત છણાવટ છે. નાગરિકતા અંગેનો કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સંસદમાં પસાર થયેલ કાયદો લાગુ કરવા માટે રાજ્યો બંધાયેલા છે. જો કોઈ રાજ્યને તેની સામે વાંધો હોય તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. નોંધનીય છે કે આ અંગેની કેરળ સરકારની અરજી લાંબા સમયથી પેન્ડિંગ છે. એ પણ નોંધવા જેવું છે કે સીએએના કાયદા સામે સર્વોચ્ચ અદાલતમાં 220 અરજીઓ સુનાવણીની પ્રતીક્ષામાં છે.