ડ્રાઈવર અમને કેમ ન સોંપ્યો ? કહી રાજકોટ પોલીસ પર તૂટી પડનારા 20 સામે ગુનો નોંધાયો
ત્રણની ધરપકડઃ ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ બન્યા ફરિયાદીઃ ટોળાએ પોલીસને મારો કહી હુમલો કર્યો’તો
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસે ચાર લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દેતાં ત્યાં હાજર રહેલા 20 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી દેતાં તમામ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાંથી ત્રણ લોકો હાથમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ટ્રાફિક બ્રાન્ચમાં અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અજય ભીખાભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અકસ્માત બાદ ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમાંથી 15 થી 20 લોકોના ટોળાએ છૂટા પથ્થરના ઘા કરી મ્યુનિસિપલ કોર્પોરેશનની બસના કાચ ફોહી નાખ્યા હતા. આ પછી ડ્રાઈવરને નીચે ઉતારીને માર મારવાનું શરૂ કરતાં પોલીસે વચ્ચે પડી તેને છોહાવ્યો હતો અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે રવાના કર્ર્યેા હતો. આ પછી ઉપસ્થિત ટોળા પૈકીના 20 લોકોએ ગાળાગાળી શરૂ કરી ‘ડ્રાઈવર અમને કેમ ન સોંપ્યો, એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો ? પોલીસે જ બસ ડ્રાઈવરને બચાવ્યો છે’ કહી પોલીસને મારો તેવી બૂમ પાડતાં લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
એકંદરે ટોળું બેકાબૂ બની જતાં ફરિયાદી અજયે ભાગવા પ્રયત્ન કરતાં ટોળું તેમની પાછલ દોડ્યું હતું. આમ 20 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતાં તેમની સામે ગુનો નોંધ્યો હતો.