છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી બધેલના પુત્ર કેમ આવ્યા મુસીબતમાં ? શું થયું ? જુઓ
- છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી બધેલના પુત્રને ત્યાં ઇડી ત્રાટક્યું
- દારૂકાંડ અને મનીલોન્ડરિંગ અંગે મોટી કાર્યવાહી ; ૧૫ સ્થળે દરોડા; વહેલી સવારે ચૈતન્ય બધેલના ઘરે ટીમ પહોંચી ; દસ્તાવેજો મળ્યા; પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સોમવારે વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે ભિલાઈમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ સહિત છત્તીસગઢમાં કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી છે. આ મામલો છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ચૈતન્યની પૂછપરછ માટે પણ ઇડીએ ટીમ બનાવી હતી. દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હતા.
આ પહેલા પણ ઇડી આ મામલામાં મોટી કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉ મે 2024માં, તપાસ એજન્સીએ પૂર્વ આઇએએસ અનિલ તૂતેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની લગભગ 18 જંગમ અને 161 સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 205.49 કરોડ હતી.
ઇડી અનુસાર, છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડની રચના વર્ષ 2017માં દારૂની ખરીદી અને વેચાણ માટે કરવામાં આવી હતી, પરંતુ સરકાર બદલાતા તે સિન્ડિકેટના હાથમાં એક સાધન બની ગયું હતું. આરોપ છે કે તમામ કામોના કોન્ટ્રાક્ટ આ સિન્ડિકેટ સાથે જોડાયેલા લોકોને જ આપવામાં આવી રહ્યા હતા.
ઇડીનો દાવો છે કે ગેરકાયદેસર દારૂના વેચાણમાંથી સિન્ડિકેટને ‘મોટું કમિશન’ મળ્યું, આ રકમ અનવર ઢેબરને આપવામાં આવી અને પછી તેણે રાજકીય પક્ષ સાથે શેર કરી હતી અને આ બારામાં મળેલી નવી જાણકારી બાદ દરોડા પડાયા હતા.