બિહારમાં 25 વર્ષ બાદનું ભારે મતદાન કોને તારશે? કોને મારશે? ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 બેઠક પર રેકોર્ડબ્રેક 64.66 % મતદાન
બિહારમાં એકાએક ચૂંટણીનો ઇતિહાસ જ બદલાઇ ગયો છે. ગુરુવારે બિહાર વિધાનસભાની 243 બેઠકની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાનું મતદાન 121 બેઠક માટે ભારે ધમાલ, આક્ષેપ અને હુમલા વચ્ચે સાંજે 5 વાગ્યે સંપન્ન થયું હતું અને છેલ્લા 25 વર્ષનું સૌથી ભારે મતદાન નોંધાયું હતું. આ અતિભારે મતદાન કોને તારશે અને કોને મારશે? તે પ્રશ્ન પણ મહત્ત્વનો બની ગયો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 64.66 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું.
બિહારમાં આજે સવારે 7 વાગ્યાથી 18 જિલ્લામાં 121 બેઠક પર મતદાન શરૂ થયું હતું અને પ્રારંભિકકાળથી જ મતદારોમાં ભારે ઉત્સાહ દેખાતો હતો. મતદાન મથકો પર લાંબી લાઇનો દેખાતી હતી. ગુરુવારે પ્રથમ તબક્કા માટે 3.75 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં 1.98 કરોડ પુરુષ અને 1.76 કરોડ મહિલા મતદારો હતા. એ જ રીતે સૌથી મહત્ત્વના બની રહેનારા 7.37 લાખ પ્રથમવારના મતદારો હતા જે 18 થી 19 વર્ષની વયના છે. આ લોકો બિહારમાં સત્તા નક્કી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો :દેશમાં કોચિંગ સેન્ટરોની મનમાની હવે નહી ચાલે! ફી થી લઈને દરેક એક્ટિવિટીનું થશે મોનીટરીંગ, SCમાં શિક્ષણ મંત્રાલયનું સોગંદનામું
પ્રથમ તબક્કાના આ મતદાન સાથે જ બિહારના ટોચ લેવલના નેતાઓ એટલે કે ઉમેદવારો તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, જેલમાં રહેલા અનંતસિંહ, મૈથેલી ઠાકુર તેમજ બે નાયબ મુખ્યમંત્રી સહિત નીતિશકુમારની કેબિનેટના 16 મંત્રીઓના ભાવિ મતદારોએ ઇવીએમમાં કેદ કરી લીધા હતા. હવે 11મીએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને 14મીએ પરિણામ આવશે.
બિહારમાં છેલ્લા 25 વર્ષમાં આટલું ભારે મતદાન થયું નથી. છેલ્લે 2000માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 62.6 ટકા મતદાન થયું હતું અને ત્યારબાદ 2005ની વિધાનસભાની ચૂંટણી માટે 64.46 ટકા મતદાન નોંધાયું છે અને નવો રેકોર્ડ થયો છે. સૌથી વધુ મતદાન મધેપુરામાં 65.74 ટકા રહ્યું હતું અને સૌથી ઓછું મતદાન રાજધાની પટણામાં 55.02 ટકા રહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર હુમલો
ગુરુવારે મતદાન દરમિયાન બપોરે લખીસરાઇ શહેરમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા પોતાની કારના કાફલા સાથે ગામમાં આવ્યા હતા અને એમણે એવો આરોપ મૂક્યો હતો કે અમારા કાફલા પર પથ્થરમારો થયો છે અને રાજદના કાર્યકરોએ ગાયનું ગોબર કાર પર નાખ્યું હતું. જો કે એસપી અજયકુમારે એમ કહ્યું હતું કે પાંચ વર્ષથી રોડ બન્યા ન હોવાથી લોકોએ વિજય સિંહા સામે વિરોધ કર્યો હતો અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તબક્કે વિજય સિંહા અને રાજદના એમ.એલ.સી. વચ્ચે પણ પોલીસની હાજરીમાં જોરદાર બોલાચાલી થઇ ગઇ હતી અને જોઇ લેવાની ધમકીઓ અપાઇ હતી.
છમકલા ઊડતી નજરે
- પોલિંગ બુથ પર વીજળી કપાયાનો રાજદનો આરોપ
- છપરામાં સીપીએમના ઉમેદવાર સત્યેન્દ્ર યાદવના કાફલા પર હુમલો
- મતદાનમાં ગરબડ કરવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી
- વૈશાલી જિલ્લામાં એક ગામમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો
- વૈશાલીમાં જ એક પોલિંગ બુથ પર પથ્થરમારો કરાયો
