કોણ ઉતરશે ચુંટણી મેદાનમાં ? વાંચો
કોણે કરી દીધી જાહેરાત ?
પંજાબમાં બે ખૂંખાર ગેંગ વચ્ચેની લડાઈમાં જીવ ગુમાવનારા લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા રાજકારણમાં પ્રવેશવાની તૈયારીમાં છે. એવી ચર્ચા છે કે તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવાના છે. બલકૌર સિંહ જેમણે અગાઉ ઘણી વખત કહ્યું હતું કે તેઓ રાજકારણમાં નહીં પ્રવેશે હવે તેમને કોંગ્રેસે ચૂંટણી લડવા માટે મનાવી લીધા છે.
કોંગ્રેસ તેમને ભટિંડા સીટ પરથી ઉતારી શકે છે. બે મહિના પહેલા સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે રાજનીતિ કેમ ન કરીએ. પૂર્વ સીએમ બેઅંત સિંહની હત્યાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમના પૌત્રએ સાંસદ બન્યા બાદ હત્યારાને સજા અપાવી હતી. રવનીત સિંહ બિટ્ટુનું ઉદાહરણ આપતાં બલકૌર સિંહે કહ્યું હતું કે જો હું પણ ન્યાય માટે આવું કરું તો તેમાં કંઈ ખોટું નથી.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે અગાઉ કહ્યું હતું કે જો બલકૌર સિંહ ચૂંટણી લડવા માંગશે તો કોંગ્રેસ તેમને ટિકિટ આપવા તૈયાર છે. સિદ્ધુ મૂસેવાલાએ પોતે 2022માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જોકે તેઓ હારી ગયા હતા. જો કોંગ્રેસ ભટિંડાથી બલકૌર સિંહને લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારશે તો અહીં મુકાબલો રસપ્રદ બની જશે. ભટિંડા અકાલી દળનો ગઢ છે અને હરસિમરત કૌર બાદલ અહીંથી સાંસદ છે. આ વખતે પણ અકાલી દળ તેમને ટિકિટ આપશે. આ બેઠક પર ભાજપ અકાલી નેતા સિકંદર સિંહ મલુકાની પુત્રવધૂ પરમપાલ કૌરને ટિકિટ આપી શકે છે. પરમપાલ કૌર આઈએએસ અધિકારી છે અને ગઈકાલે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.