સંદેશખલી જતા કોને અટકાવાયા ? વાંચો……
પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના અંગે બંગાળથી લઈને દિલ્હી સુધી બબાલ મચેલી છે ત્યારે ભાજપના બે નેતાઓ મંગળવારે સંદેશખલી તરફ જઈ રહ્યા હતા અને હાઈકોર્ટની પરમિશનથી તેઓ પીડિતોને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ પોલીસે એમને અટકાવી દીધા હતા અને ભાજપના નેતાઓ શુભેન્દુ અધિકારી અને શંકર ઘોષ ધરણાં પર બેસી ગયા હતા.
સોમવારે કોલકતા હાઈકોર્ટે શુભેન્દુ અધિકારી સહિતનાને સંદેશખલી જવાની મંજૂરી આપી હતી પરંતુ ભડકામણા ભાષણ નહીં કરવાની સૂચના પણ આપી હતી.
ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, પોલીસ હાઈકોર્ટને પણ પડકાર ફેંકી રહી છે. અમને સંદેશખલી જતા અટકાવી દેવામાં આવ્યા છે અને અમે કલાકો સુધી ધરણાં પર બેઠા રહીશું અને ફરી પાછા હાઈકોર્ટમાં જશું.
ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, અમને જતા અટકાવવા તે બંધારણનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટનું અપમાન છે. બંધારણને આ લોકો સીધો પડકાર આપી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું કે, અદાલતનો આદેશ પણ અમારી સાથે છે છતાં અમને અટકાવી દેવામાં આવ્યા હતા. મંગળવાર સવારે ૯ વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં ફરીથી કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી.