કોણ પકડાયું ભીખ માંગતા ?
દુબઈમાં કોની બેઈજ્જતી થઈ ?
પાકિસ્તાનની જનતા ભયંકર ગરીબીનો સામનો કરી રહી છે તે વાતની પુષ્ટિ કરતી ઘટના સામે આવી છે. દુબઈ પોલીસે રમઝાન મહિનાના પહેલા બે સપ્તાહમાં 202 ભીખારીઓની ધરપકડ કરી છે. જેમાં 112 પુરુષ અને 90 મહિલાઓ છે. પકડાયેલા મોટાભાગના ભીખારીઓ પાકિસ્તાની છે અને તેઓ વિઝિટર વિઝા પર દુબઈ આવીને ભીખ માંગતા હોવાનો દાવો દુબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કર્યો હતો.
અધિકારીએ કહ્યું હતું કે ભીખારીઓ લોકોની દયાનો ફાયદો ઉઠાવતા હોય છે અને ખોટા કારણો બતાવીને લોકો પાસેથી નાણા પડાવતા હોય છે. આ ભીખારીઓ સારી રીતે જાણે છે કે યુએઈના લોકો મદદગાર અને દયાળુ હોય છે.
પાકિસ્તાનના એક યુ ટ્યૂબર સુહૈબ ચૌધરીએ કહ્યુ હતુ કે, પકડાયેલામાંથી મોટાભાગના પાકિસ્તાનથી દુબઈ ગયેલા લોકો છે. પાકિસ્તાનના લોકોએ બીજા દેશોમાં જઈને પોતાના દેશની બદનામી થાય તેવી હરકતો કરવાનુ બંધ કરવુ જોઈએ. આ મુદ્દે તેમણે પાડોશી દેશ ભારતના લોકો પાસેથી ઘણુ શીખવાની જરુર છે.
દુબઈના કાયદા પ્રમાણે અહીંયા ભીખ માંગવી ગુનો ગણાય છે. ભીખ માંગતા જો કોઈ વ્યક્તિ પકડાય તો તેને ઓછામાં ઓછો 5000 દીરહામનો દંડ કરવાની અને ત્રણ મહિના સુધી જેલની સજાની જોગવાઈ છે. જો દુબઈના રહેવાસીઓ બીજા દેશના લોકોને અહીંયા લાવીને તેમની પાસે ભીખ મંગાવતા પકડાય તો તેમને ઓછામાં ઓછો 1 લાખ દીરહામનો દંડ અને 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.