બિહારમાં કોની થઈ ધરપકડ ? જુઓ
લાલુના કયા નેતા પર દરોડા પડ્યા ?
ભ્રષ્ટાચારીઓ સામે સખત હાથે કામ લેવામાં આવશે તેવી હમણાં જ અમિત શાહે જાહેરાત કરી હતી અને બિહારમાં આવા લોકો ઉપર કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. લાલુ પ્રસાદ યાદવના નજીકના રાજદ નેતા સુભાષ યાદવની ઇડી દ્વારા રવિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. ઇડીએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
દાનાપુર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત જંગી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. સુભાષ યાદવ ગેરકાયદે રેતી ઉત્ખનન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એમની સામે અનેક કેસ પણ થયેલા છે.
સુભાષ યાદવ 2019માં આરજેડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની સામે પટનામાં ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે પણ તેમના સ્થાને દરોડા પાડ્યા હતા. અગાઉ શનિવારે ઈડીએ સુભાષ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. લાલુ યાદવના નજીકના રેત માફિયા સુભાષ યાદવ પર ઈડીએ પોતાની પકડ વધુ કડક કરી છે. ઈડીએ દાનાપુર સહિત 8 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.
હજુ પણ એમની સાથે સંકળાયેલા લોકો ઉપર દરોડા પડી શકે છે અને વધુ કેટલાક લોકોના કાળા કારોબાર બહાર આવી શકે છે. બિહારમાં રેત માફિયાઓનો ત્રાસ ખૂબ વગોવાયેલો રહ્યો છે અને તેમાં રાજકીય નેતાઓ જ મુખ્ય રહ્યા છે.