બાબા સિદ્દિકી કેસમાં કોની ધરપકડ થઈ ? કેટલા પકડાયા ? વાંચો
ગત શનિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસે મંગળવારે ચોથી ધરપકડ કરી હતી. આ આરોપીની ઓળખ હરીશકુમાર બાલકરામ (23) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના બેહરાઈચનો રહેવાસી છે. આરોપીઓને તેણે મદદ કરી હતી. તેની પૂછપરછ શરૂ થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ એ જ વિસ્તારનો રહેવાસી છે જ્યાં ધરમરાજ અને શિવ કુમાર પુણેના વરજે વિસ્તારના ભાલેકર ચોકમાં ભંગારની દુકાનમાં કામ કરતા હતા. આ ધરપકડ ઉત્તર પ્રદેશના બહેરાઇચથી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાલકરામ મહારાષ્ટ્રના પુણેમાં ભંગાર વેચવાનું કામ કરતો હતો. આરોપી સિદ્દીકીની હત્યાના કાવતરામાં પણ સામેલ છે. અધિકારીએ કહ્યું કે તે બહરાઈચમાંથી પકડાયો હતો. આ સાથે સિદ્દીકીની હત્યાના મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પહેલા કથિત શૂટર હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (23)ને પકડ્યો હતો. આ પછી ઉત્તર પ્રદેશના રહેવાસી ધરમરાજ રાજેશ કશ્યપ (19) અને ત્યારબાદ સહ આરોપી પ્રવીણ લોંકરની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં બેહરાઈચનો રહેવાસી અન્ય એક શંકાસ્પદ શૂટર શિવકુમાર ગૌતમ હજુ ફરાર છે.