વિપક્ષના શકતી પ્રદર્શનમાં કોણ શું બોલ્યા ? જુઓ
રાહુલે શું કહ્યું ? કેવો આરોપ મૂક્યો ?
લોકસભાની ચુંટણીમાં શાસક અને વિપક્ષ વચ્ચેનો પ્રચાર જંગ આક્રમક બન્યો છે. દીલ્હીમાં રવિવારે વિપક્ષે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ઈન્ડિયા ગઠબંધનની મહારેલી રામલીલા મેદાનમાં યોજાઇ હતી જેમાં તમામ ટોચના વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઇડી અને સીબીઆઇ તથા ઇન્કમ ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યાનો આક્ષેપ બધાએ કર્યો હતો. કોંગી પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે ચુંટણી પહેલા અમારા નાણા ચોરાઇ ગયા. બધા નેતાઓએ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લઈ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ચુંટણીમાં મેચ ફિક્સિંગ દ્વારા મેચ જીતવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે ભાજપને 180 થી વધુ બેઠકો નહીં મળે તેવી આગાહી પણ એમણે કરી હતી આમ રાહુલની વાતમાં વિસંવાદ દેખાયો હતો.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે આપણી સામે લોકસભાની ચૂંટણી છે અને અમ્પાયરને મોદીજીએ પસંદ કર્યા છે. અમારા બે ખેલાડીઓની ધરપકડ કરીને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. નેતાઓને પૈસાની ધમકી આપવામાં આવે છે, સરકારોને પાડી દેવામાં આવે છે, નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ મેચ ફિક્સિંગ માત્ર નરેન્દ્ર મોદી જ નહી પણ તેમની સાથે કેટલાક ત્રણ-ચાર અબજોપતિઓ મળીને કરી રહ્યા છે અને આ જ સત્ય છે.
રામલીલા મેદાનમાં 28 રાજકીય પક્ષોએ શક્તિપ્રદર્શન કરતાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 20000થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. . રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, શિવસેના પ્રમુખ (યુબીટી) ઉદ્ધવ ઠાકરે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ, ફારૂક અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, ડાબેરી નેતા સીતારામ યેચુરી અને શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
જેલથી કેજરીવાલની દેશને 6 ગેરંટી: સુનિતા કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, “મોદીજીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું તેમણે આ કામ યોગ્ય કર્યું? જેલથી અરવિંદ કેજરીવાલે દેશની જનતાને 6 ગેરંટી આપી છે તેમ કહીને સુનિતાએ તે વાંચી સંભળાવી હતી, જેમાં સૌને મફત વીજળી, દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક, દેશમાં 24 કલાક વીજળી, ખેડૂતોને એમએસપી, દીલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો, દરેક ગામમાં સ્કૂલ અને હોસ્પિટલો મળશે.
400 પાર નહીં 440 હાર : અખિલેશ યાદવ
અખિલેશ યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘રામલીલા મેદાન એ એક ઐતિહાસિક મેદાન છે જ્યાં આપણે બધા એકસાથે ઉભા છીએ. આ મેદાન પરથી જાહેરાત થવા જઈ રહી છે કે દિલ્હીમાં જે શાસક બેઠા છે તે લાંબો સમય રહેવાના નથી. અખિલેશે વધુમાં 400ને પાર કરવાના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમે 400 પાર થઈ રહ્યા હતા તો પછી તમને આમ આદમી પાર્ટીના નેતાથી કેમ ચિંતા છે?. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. 400 પાર નહીં 400 હાર હશે તેવી આગાહી યાદવે કરી હતી.
તુમ તો ધોખેબાજ હો : તેજસ્વી યાદવ
આરજેડી નેતા તેજસ્વી યાદવે રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું, “દિલ્હીની ભીડ કહી રહી છે કે મોદી જે રીતે આવ્યા હતા એ જ વાવાઝોડાની જેમ જતા રહેશે. પીએમ મોદી પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું, કે મોદીની ગેરંટી ચીનના સામાન જેવી છે. જ્યારે રાષ્ટ્રપતિ અડવાણીને ભારત રત્ન આપી રહ્યા હતા ત્યારે મોદી તેમના માનમાં ઊભા પણ ન થયા. આ લોકો નાગપુરિયા કાયદો લાગુ કરવા માંગે છે. તેજસ્વી યાદવે તે ગીત સાથે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા કે તુમ તો ધોખેબાજ હો, વાદા કર કે ભૂલ જાતે હો.
અમે સુનિતા અને કલ્પના સોરેન સાથે : ઉધ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “હું સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનને કહેવા માંગુ છું કે અમે તમારી સાથે ઉભા છીએ. હું ભાજપને તેના બેનરો પર લખવા માટે પડકાર ફેંકુ છું કે તે લખી બતાવે કે ઇડી, સીબીઆઇ અને આઇટી તેમના સહયોગી છે. હવે ભારતમાં ગઠબંધન સરકાર લાવવાનો સમય આવી ગયો છે. અમે અહીં લોકશાહીની રક્ષા માટે એકજૂટ છીએ.