શેખ હસીના ફરી બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે તેમ કોણે કહ્યું ? વાંચો
અમેરિકી આવામી લીગના ઉપાધ્યક્ષ અને બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના નજીકના સહયોગી ડૉ. રબ્બી આલમે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાનના રૂપે શેખ હસીના વાપસી કરશે. તેમણે કહ્યુ કે, યુવા પેઢીએ ભૂલ કરી છે. જોકે, આ તેમની ભૂલ નથી તેમની સાથે દગો થયો છે અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં.’ ડૉ. આલમના આ નિવેદનથી બાંગ્લાદેશના રાજકારણમાં હલચલ ઊભી થઈ છે.
રબ્બી આલમે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘બાંગ્લાદેશ પર હુમલો થઈ રહ્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ દ્વારા સંબોધિત કરવાની જરૂર છે. રાજકીય વિદ્રોહ ઠીક છે પરંતુ, બાંગ્લાદેશમાં આવું નથી થઈ રહ્યું. આ એક આતંકવાદી વિદ્રોહ છે.’
ઘણા નેતાઓ ભારતમાં છે
આ સિવાય રબ્બીએ ખુલાસો કર્યો કે, ‘અમારા ઘણાં નેતાએ ભારતમાં શરણ લીધી છે અને અમે ભારત સરકારના આભારી છીએ કે, તેણે આ નેતાઓ માટે વ્યવસ્થા કરી આપી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અમારા વડાંપ્રધાન શેખ હસીના માટે સુરક્ષિત યાત્રા માર્ગ આપવા માટે આભારી છું. અમે ભારતના લોકોના પણ આભારી છીએ.’
યુનુસે પદ છોડવું જોઈએ
રબ્બીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મહોમ્મદ યુનૂસને પદ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘અમે બાંગ્લાદેશના સલાહકારને કહેવા ઈચ્છીએ છીએ કે, તે પદ છોડે અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જતા રહે.’ આ સિવાય તેમણે દાવો કર્યો કે, ‘શેખ હસીના વડાંપ્રધાન રૂપે પરત આવી રહ્યાં છે. યુવા પેઢીએ ભૂલ કરી છે, પરંતુ આમા તેમનો વાંક નથી, કારણ કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં.’