ધરતીપુત્રોની ચિંતા કોણે વધારી? વાંચો
ક્યારે પડશે રાજ્યમાં કમોસમી વરસાદ?
કઈ તારીખે ક્યાં જિલ્લામાં થશે વરસાદ ?
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી તા.7 થી 10 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. જ્યારે 8,9,10 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમને કારણે તા.7મીથી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. જ્યારે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડી શકે છે અને વાતાવરણમાં ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને કારણે ખેતરોમાં ઉભા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. 8મી જાન્યુઆરીએ ગીર સોમનાથ, દીવ દમણ, જુનાગઢ, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, તા.9મીએ રાજકોટ, જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી જ્યારે તા.10મીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
