‘ભારતનો ભૂતપૂર્વ જાસૂસ’ વિકાસ યાદવ કોણ છે, જેના પર અમેરીકાએ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો?
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ભારત સરકારના ભૂતપૂર્વ કર્મચારી વિકાસ યાદવ પર ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવ્યો. પન્નુન પંજાબને ભારતથી અલગ કરવાની હિમાયત કરવા માટે ફક્ત કેનેડા અને ભારતમાં જ નહીં પણ સર્વત્ર જાણીતા છે.
કોણ છે વિકાસ યાદવ ?
39 વર્ષીય વિકાસ યાદવ ભારતના હરિયાણાના પ્રાણપુરાનો રહેવાસી છે. તેમણે અગાઉ ભારતના કેબિનેટ સચિવાલય માટે કામ કર્યું હતું, જેમાં ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) આવે. આની પહેલા વિકાસ યાદવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં સહાયક કમાન્ડન્ટ તરીકે સેવા આપી હતી અને 135 માણસોની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે કાઉન્ટર ઇન્ટેલિજન્સ, યુદ્ધ, શસ્ત્રો અને પેરાશૂટિંગની વિશેષ તાલીમ મેળવી હતી.
યુએસ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ તેને ભાડેથી હત્યા અને મની લોન્ડરિંગના કાવતરામાં કથિત સંડોવણી બદલ “વોન્ટેડ” તરીકે સૂચિબદ્ધ કર્યો છે. યાદવનું હાલનું ઠેકાણું કોઈને ખબર નથી.
યાદવ પરના આરોપ
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે યાદવે મે 2023માં ન્યૂયોર્કમાં પન્નુનની હત્યા કરવાની યોજના બનાવી હતી. તેણે કથિત રીતે એક ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને આ કામ માટે હિટમેન તરીકે ભરતી કરી હતી.
અમેરિકાના આરોપ મુજબ:
– યાદવે ગુપ્તાને પન્નુનના રહેઠાણ, ફોન નંબર અને દિનચર્યા વિશેની વિગતો આપી હતી.
– ગુપ્તાએ હત્યાની યોજના બનાવવા માટે અન્ય લોકો સાથે વાત કરી, ખાસ કરીને 18 જૂન, 2023ના રોજ કેનેડામાં અન્ય ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ આ બધા ચક્રો ગતિમાન થયેલા.
નિજ્જરના મૃત્યુ પછી, ગુપ્તાએ યાદવને કથિત રીતે કહ્યું હતું કે પન્નુનને ખતમ કરવા માટે “પ્રતીક્ષા કરવાની જરૂર નથી”. 20 જૂનના રોજ, યાદવે ઝડપ કરવા પર ભાર મૂક્યો અને આ મહત્વના કામને તેની “પ્રાયોરિટી” ગણાવી. જોકે, હિટમેનને હાયર કરવાનો ગુપ્તાનો પ્રયાસ નિષ્ફળ ગયો. બાદમાં 30 જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
યુએસ અધિકારીઓની પ્રતિક્રિયા
ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ એટર્ની ડેમિયન વિલિયમ્સ અને એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે સહિત યુએસ અધિકારીઓએ કથિત હત્યાના પ્રયાસની નિંદા કરી છે. તેણે કહ્યું:
- આ ષડયંત્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરી રહેલા એક અમેરિકન નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો હતો.
- યુનાઇટેડ સ્ટેટ્સ તેમની રાષ્ટ્રીયતા અથવા સ્થાનને ધ્યાનમાં લીધા વિના, આવા કૃત્યોનો પ્રયાસ કરનાર કોઈપણને જવાબદાર ઠેરવશે.
ભારતનો જવાબ
ભારતે આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી. ભારતીય અધિકારીઓની એક ટીમે તાજેતરમાં અમેરિકી અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે યાદવ હવે ભારત સરકારમાં કામ કરતા નથી.
યાદવ સામેના આરોપો આ તબક્કે પણ આરોપો જ રહેશે. જો કે, તેની ઓળખ અને એફબીઆઈની વોન્ટેડ યાદીમાં સમાવેશને કારણે હવે તેની ઉપર કડક નજર રખાશે. બંને દેશો આ મામલે સતત તપાસ કરી રહ્યા છે.