દેશની રાજધાની નવી દિલ્હીને નવો મુખ્યમંત્રી મળ્યા છે. આમ આદમી પાર્ટીની સરકારમાં શિક્ષણ મંત્રીની જવાબદારી સંભાળી રહેલા આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે. આતિશી અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી શક્તિશાળી મંત્રી રહ્યા છે. આતિશીને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસુ માનવામાં આવે છે. હાલમાં આતિશી પાસે સૌથી વધુ મંત્રાલયો છે. તેમના પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત મુખ્યમંત્રી પદ સંભાળી ચુક્યા છે. ત્યારે ચાલો દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી વિશે વિગતવાર જાણીએ
કોણ છે આતિશી ?
આતિશીએ ઝડપથી આમ આદમી પાર્ટીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. આમ આદમી પાર્ટી તેના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન જે સિદ્ધિઓ સૌથી વધુ ગણાવી રહી છે તેમાં શિક્ષણનું ક્ષેત્ર ટોચ પર છે અને આનો ઘણો શ્રેય આતિશીને જાય છે. તેમણે 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેમને પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના માતા-પિતા વિજય સિંહ અને ત્રિપ્તા વાહી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમણે સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન અને આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું.
આતિશીની રાજકીય કારકિર્દી
આતિશીએ 2012માં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર લોકોમાં સામેલ હતો. પાર્ટીને આજે જ્યાં છે ત્યાં સુધી લઈ જવામાં આતિશીએ મોટો ફાળો આપ્યો છે. તેણીએ પૂર્વ દિલ્હીથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2020 માં, તેણી કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની. આ પછી, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં ગયા પછી તે શિક્ષણ મંત્રી બન્યા.
શિક્ષણ મંત્રી બન્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા
શિક્ષણ મંત્રી બન્યા બાદ આતિશીએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં મહત્વના સુધારા કર્યા છે. તેમણે મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને શિક્ષણ નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતિશી હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.