શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે કોણે લાગ્યો ફટકો ? વાંચો
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી હતી. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. . ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદ અંગેનો વિવાદ ખૂબ જૂનો છે જેના પર હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે આ મામલો હાઇકોર્ટમાં જ રહેવા દો. હાઈકોર્ટના આદેશમાં દખલ દેવાનો અદાલતે ઇનકાર કર્યો હતો.
તમામ કેસોને મથુરા જિલ્લા કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા વિરુદ્ધ મસ્જિદ પક્ષની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. મસ્જિદ કમિટીની એ અરજીની સુનાવણી એપ્રિલમાં થશે. મંગલવારનો કેસ 18માંથી 15 કેસને એકસાથે જોડવા વિરુદ્ધનો હતો. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ નથી કર્યો. કોર્ટમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.
હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદને પોતાનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવા માટે કહ્યું છે. હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત 15 કેસને એકસાથે સુનાવણી માટે જોડી દીધા છે. તેમણે કહ્યું કે, આજે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી એ આદેશ વિરુદ્ધ જ સુપ્રીમ કોર્ટમાં આવી હતી.