સલમાન ખાન પર હુમલો કરવા કોણ આવ્યું હતું ? જુઓ
મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનની હત્યાનો વધુ એક પ્લાન શનિવારે નિષ્ફળ બનાવી દીધો હતો. નવી મુંબઈની પનવેલ પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે, આ ચારેય લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગના હતા અને તેઓએ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. પનવેલમાં ચાર શૂટરોએ રેકી કરી હતી. આ દરમિયાન જ એમને ઝડપી લેવાયાં હતા.
એવું પણ બહાર આવ્યું છે કે હુમલા માટે પાકિસ્તાનના એક હથિયાર સપ્લાયર પાસેથી હથિયારો મંગાવવાની યોજના હતી. નવી મુંબઈ પોલીસે આ મામલે એફઆઇઆર નોંધીને ચારેયની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ 4 લોકો લોરેન્સ બિશનોઈ ગેંગના જ શૂટર છે.
પોલીસને માહિતી મળી હતી કે, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડા સ્થિત પોતાના પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને તેમનો સાથી ગોલ્ડી બરાડ સાથે મળીને એક હથિયાર ડીલર પાસેથી **AK-47 સહિત અન્ય અત્યાધુનિક હથિયાર ખરીદીને અભિનેતા સલમાન ખાનને મારવાનું કાવતરું ઘડ્યું હતું.
ધરપકડ કરવામાં આવેલ બદમાશો અને ગેંગ દ્વારા જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તેમનો હેતુ સલમાન ખાનની કારને રોકવાનો અથવા ફાર્મહાઉસ પર હુમલો કરવાનો હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ પ્લાન અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવા માટે બે શૂટર્સની ધરપકડના એક મહિના પહેલા બનાવ્યો હતો.
