મંગલસૂત્ર વિવાદમાં મોદી પર આકરા પ્રહાર કોણે કર્યા..વાંચો
મારી માતાનું મંગલસૂત્ર આ દેશ માટે કુરબાન થયું છે: પ્રિયંકા ગાંધી
લોકસભાની ચૂંટણીના બીજા ચરણ પૂર્વે પ્રચારમાં હવે મંગલસૂત્રનો મુદ્દો ગાજી રહ્યો છે. કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો મહિલાઓનું સોનુ અને મંગળસૂત્ર પણ છીનવી લેશે એવા મોદીના વક્તવ્યનો જવાબ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશના વડાપ્રધાન મત મેળવવા માટે મહિલાઓને ડરાવે એ શરમજનક છે. મોદીને મંગળસૂત્રના મહત્વની જ ખબર નથી.
બેંગ્લોરમાં એક સભાને સંબોધતા તેમણે લોકોને પૂછ્યું કે દેશ 70 વર્ષથી આઝાદ છે અને તેમાં 55 વર્ષ સુધી કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે કોઈના ઘરેણા કે મંગળસૂત્ર છિનવાયા હતા? તેમણે ઉમેર્યું કે ઇન્દિરા ગાંધીએ યુદ્ધ સમયે પોતાના ઘરેણા દેશને અર્પણ કરી દીધા હતા અને મારી માતાનું મંગલસૂત્ર આ દેશ માટે કુરબાન થયું છે.
મોદી ઉપર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે મોદી કદી મહિલાઓના સંઘર્ષને સમજી નહીં શકે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે બીમારી હોય ત્યારે મહિલાઓ સોનું અને મંગલસૂત્ર ગીરવે મૂકે છે. મહિલાઓની એ ભાવનાને મોદી સમજી શકતા નથી. તેમને મહિલાઓના મંગલસૂત્ર ની નહીં પણ મત ની ચિંતા છે.
આ બધાના મંગલસૂત્રોની મોદીને કેમ ચિંતા ન થઈ?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુરમાં એક જવાનની પત્નીનું વસ્ત્રાહરણ કરીને પરેડ કરાવવામાં આવી એ મહિલાના મંગલસૂત્રની મોદીને કેમ ચિંતા ન થઈ?
નોટબંધી સમયે મહિલાઓની બચત છીનવાઈ ગઈ અને મહિલાઓએ મંગલસૂત્રો ગીરવે મૂકવા પડ્યા ત્યારે મોદી કેમ શાંત હતા? કિસાન આંદોલનમાં શહીદ થયેલા 600 ખેડૂતોની વિધવાઓના મંગલસૂત્ર અંગે મોદી કેમ એક પણ શબ્દ નથી બોલ્યા? કોરોનામાં પગપાળા હિજરત કરતા શ્રમિકોને ખાવાના સાંસા હતા અને એ ગરીબ શ્રમિક મહિલાઓએ મંગલસૂત્ર વેચી દેવા પડ્યા ત્યારે મોદી ક્યાં હતા?