ભાજપ પ્રથમવાર કયા મહિલા નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી શકે છે ? કોના નામ છે ચર્ચામાં ? વાંચો
ભારતીય જનતા પાર્ટી ચાલુ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જાહેરાત કરી શકે તેવી માહિતી છે. જો કે, આ નિર્ણય પાર્ટીના સંગઠનાત્મક ચૂંટણી પછી લેવામાં આવશે. પક્ષના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરવામાં આવશે. તેમજ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેની શક્યતા છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે, આ કામ માટે ભાજપ દક્ષિણ ભારતમાંથી કોઇને જવાબદારી સોપી શકે છે .વનથી શ્રીનિવાસન અને દગ્ગુબાતી પુરંદેશ્વરી નામના બે મહિલા નેતાઓના નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે .
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જો કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઇમ્બતુરના ધારાસભ્ય વનથી શ્રીનિવાસન અથવા આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સંભવિત ઉમેદવાર માની શકાય છે. 66 વર્ષીય પુરંદેશ્વરી 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને સંગઠનાત્મક મામલામાં તેમનો મહત્ત્વપૂર્ણ અનુભવ રહ્યો છે.
માહિતી પ્રમાણે પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે, તેમના શાનદાર ભાષણની ક્ષમતા અને પાંચ ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ મળી છે. વનથી શ્રીનિવાસન પાર્ટીના રણનીતિકાર અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થતા જોવામાં મળ્યા છે. આ ઉપરાંત એક સીનિયર નેતાના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના મોર્ચા હેઠળ કેટલાક સફળ કાર્યક્રમ આયોજિત કરવા માટે જાણીતા છે. તેમજ વડાપ્રધાન મોદી તથા અમિત શાહના એક વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. આ સાથે ભાજપના સ્મૃતિ ઇરાનીનું નામ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચર્ચામાં છે.
વનથી શ્રીનિવાસન
તમિલનાડુના 55 વર્ષીય વનથી શ્રીનિવાસન કોઇમ્બતુરના ધારાસભ્ય ઉપરાંત ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેઓની પાર્ટીના સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે અને તમિલનાડુમાં કેટલાક મહિલા સશક્તિકરણ અને સામાજિક સુધાર અભિયાનનું નેતૃત્ત્વ પણ કર્યું છે.