કયા ટોચના બિઝનેસમેનનો માણસ કલેકટરને લાંચ આપવા બદલ પકડાયો ? વાંચો
ગૌતમ અદાણી ગ્રુપની સિમેન્ટ બનાવનારી કંપની અંબુજા સિમેન્ટના એક વરિષ્ઠ અધિકારીની ઓડિશામાં કલેકટરને લાંચ આપવાના આરોપસર ધરપકડ કરી લેવાઈ હતી. આ ઘટનાથી ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લાંચ દેનાર સામે પણ હવે સખત પગલાં લેવાઈ રહ્યા છે.
વિજિલન્સ ટીમના અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે સિમેન્ટ કંપનીનો કર્મચારી ઓડિશાના બારગઢ જિલ્લાના કલેકટરની ઓફિસમાં પહોંચી ગયો હતો. અહીં તેણે કલેકટર આદિત્ય ગોયલને ફૂલો, મીઠાઈ અને તેની સાથે એક પેકેટ પણ આપ્યું હતું.
જો કે કલેકટરને શંકા જતાં એમણે પોતાના પટ્ટાવાળાને બોલાવીને પેકેટ ખોલાવ્યું હતું અને તેમાંથી રૂપિયા 500 ની નોટના 4 બંડલ નીકળી પડ્યા હતા. તરત જ વિજિલન્સના અધિકારીઓને તેની જાણકારી અપાઈ હતી અને લાંચ ઓફર કરનારને ત્યાં જ પકડી લેવાયો હતો.
વિજિલન્સ ટીમે કહ્યું હતું કે પેકેટમાં રૂપિયા 2 લાખ હતા. આ પેકેટ જપ્ત કરી લેવાયું હતું. લાંચ આપવા આવેલા કર્મીની ઓળખ છત્તીસગઢના સિમેન્ટ કંપનીના અધિકારી રામભવ ગટ્ટુના રૂપમાં થઈ હતી. આ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કેસ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.