ભાજપના સીએમની પરિષદમાં વડાપ્રધાને ગુજરાતની કઈ યોજનાના વખાણ કર્યા ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભાજપની મુખ્યમંત્રી પરિષદની બે દિવસીય બેઠકમાં બીજા દિવસે રાજ્યોને સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. વડાપ્રધાને બીજા દિવસે રવિવારે પણ સૂચનો કર્યા હતા અને ગુજરાતની કિસાન સૂર્યોદય યોજનાના વખાણ કર્યા હતા. યુપી સહિતના કેટલાક રાજ્યોની યોજનાઓ પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી હતી.
લોકસભા ચૂંટણી બાદ ભાજપની મુખ્યમંત્રી પરિષદની આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા અને વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવવા બદલ ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રોજગાર મેળા કરો
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાને ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમને સુશાસનની દિશામાં મિશન મોડમાં કામ કરવા માટે કહ્યું હતું. કેન્દ્ર અને રાજ્યોની યોજનાઓને જલ્દી પૂરી કરવા મોદીએ અનુરોધ કર્યો હતો. રોજગાર અને આરોગ્ય મેળા યોજવાની સૂચના આપી હતી.
કયા સીએમએ શું બતાવ્યું
બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રામ સચિવાલય ડિજિટાઈઝેશન અને રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડોલર સુધી લઈ જવા અંગે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ રોજગાર અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ ઉપરાંત બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ રાજ્યમાં ગેરકાયદેસર ખનન રોકવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ‘દ્વાર પર સરકાર’ વિષય પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
બેઠકમાં મુખ્યમંત્રીઓને સંગઠન સાથે વધુ સારી રીતે તાલમેલ અને પૂર્ણ સંકલન સાથે કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને સાથે રાખવા અને તેમનું સન્માન કરવા પણ કહ્યું છે. આ સાથે જ કેન્દ્ર રાજ્યની ફ્લેગશિપ યોજનાઓને સંપૂર્ણ જવાબદારી સાથે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.