ટેસ્લા પોતાની ફેક્ટરી માટે આપણા કયા રાજ્યો પર નજર દોડાવી રહી છે ? જુઓ
- ટેસ્લાને જમીન આપવા ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર વચ્ચે સ્પર્ધા
- મસ્કના માણસોએ આંધ્ર સરકાર સાથે ફેક્ટરી નાખવા જમીન અંગે ચર્ચા શરૂ કરી; વહેલી તકે પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે ટેસ્લાની ભારતમાં ફેક્ટરી સ્થાપવાની યોજના પર નારાજગી વ્યક્ત કરી હોય, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, એલોન મસ્કની કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં ફેક્ટરી માટે સક્રિયપણે સ્થાન શોધી રહી છે. આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર તથા ગુજરાત પણ તેને જમોન આપવા તૈયાર છે. જો કે આંધ્ર સાથે બેઠકો શરૂ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.
કંપની અહીં એક સીકેડી યુનિટ સ્થાપવા માંગે છે જ્યાં પાર્ટસ આયાત કરીને વાહનોનું એસેમ્બલ કરવામાં આવશે. આનાથી કંપનીને સંપૂર્ણપણે બનેલા વાહનોની આયાત કરવાની જરૂરિયાત દૂર થશે અને તેને કરમાં રાહત પણ મળી શકે છે. ગુજરાત પર પણ કંપનીની નજર છે. જો કે હજુ અહીં જમીન અંગે વાતચીત થઈ નથી.
કંપની છેલ્લા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશ સરકાર સાથે આ સંદર્ભે વાતચીત કરી રહી છે. આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નેલ્લોર, તિરુપતિ જિલ્લામાં શ્રી સિટી અને અનંતપુર જિલ્લામાં કિયા ક્લસ્ટર નજીક પહેલાથી જ સંપાદિત જમીનનો વિકલ્પ કંપનીના પ્રતિનિધિઓ સમક્ષ મૂક્યો છે.
અગાઉ કંપની મહારાષ્ટ્ર અને ગુજરાત પર પણ નજર રાખી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ જમીન સંપાદન અને પુનર્વસનમાં રસ દાખવ્યો નથી. તમિલનાડુ સરકાર પણ ટેસ્લા સાથે વાતચીત કરી રહી હતી કારણ કે ત્યાં વાહન ઉત્પાદન ઇકોસિસ્ટમ પહેલેથી જ અસ્તિત્વમાં છે. હ્યુન્ડાઇ મોટર, બીએમડબ્લ્યુ, ફોર્ડ અને ટાટા મોટર્સ-જેએલઆર જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ તમિલનાડુમાં ફેક્ટરીઓ ધરાવે છે.