કયા નેતાને થયું કેન્સર ? વાંચો
ભાજપના સિનિયર નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. એમની સઘન સારવાર ચાલી રહી છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ આપી હતી. તેમણે કહ્યું કે હું છેલ્લાં 6 મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છું. હવે લાગ્યું કે લોકોને બતાવવાનો સમય આવી ગયો છે. તેઓ ચુંટણી પ્રચારમાં પણ જોડાઈ શકે એમ નથી તેવી ચોખવટ એમણે કરી હતી.
સુશીલ કુમારે કહ્યું કે મેં મારી સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ જાણકારી આપી દીધી છે. બિહાર અને ભાજપ પ્રત્યે હું સદૈવ આભારી અને સમર્પિત રહીશ. સુશીલ મોદી લાંબા સમય સુધી (2005-2013 અને 2017-20) બિહારના નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
બિહારના રાજકારણમાં તેમની એક અલગ ઓળખ છે. નીતીશ સાથેની તેમની જોડી ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ બીમારીના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી દૂર હતા.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહાર ભાજપ માટે આ મોટો ઝટકો છે. પાર્ટીમાં તેમની સક્રિયતા ખાસ રહી છે. બિહારના ડેપ્યુટી સીએમ હોવા ઉપરાંત સુશીલ કુમાર મોદી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમના ત્રણ દાયકાના જાહેર જીવનમાં તેઓ રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભા સહિત ચારેય ગૃહોના સભ્ય રહ્યા છે.
