યુપીનું કયું શહેર સળગી ગયું તોફાનમાં ? કેટલાના મોત થયા ? જુઓ
યુપીનું સંભલ શહેર સળગ્યું તોફાનમાં: 3 ના મોત
ઉત્તરપ્રદેશના સંભલ શહેરની જામા મસ્જિદમાં સર્વેની કાર્યવાહીથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતાં રવિવારે ફરી મોટી બબાલ થઇ હતી. તોફાની ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. કોર્ટના આદેશ બાદ જ્યારે ટીમ બીજી વખત સર્વે કરવા માટે પહોંચી ત્યારે ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો. તો પોલીસ દ્વારા 16 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આગજની અને પથ્થરમારા વચ્ચે 3 લોકોના મોત થયા હતા. પથ્થરમારામાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતા. મોડેથી સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી અને પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
સર્વે વખતે ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં પોલીસ અને એસપી હેલ્મેટ પહેરેલા જોવા મળી રહ્યા છે અને બીજી બાજુથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. સંભલમાં સ્થિતિ તંગ જોવા મળી રહી હતી અને મુસ્લિમ મોલવી શાહબુદીન રાઝવીએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.
જિલ્લાના એસપીએ તોફાનમાં 3 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં 3 લોકોના જીવ ગયા છે. જ્યારે સપા અને બસપાએ યોગી સરકાર પર આરોપ લગાવ્યા છે. તો બીજી તરફ ભાજપે વિપક્ષને ઘેર્યું છે. સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરીને દાવો કરાયો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ છે ત્યાં પહેલા હરિહર મંદિર હતું.
અખિલેશ યાદવે આ મામલે યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે સર્વે થઈ ચૂક્યો હતો તો ફરીવાર શા માટે કરાવ્યો? તે પણ સવાર-સવારમાં, કોઈ બીજા પક્ષને સાંભળનારું નથી. એટલા માટે સર્વે કરાયો છે કારણ કે ચૂંટણી છોડીને બીજી વાત પર ચર્ચા થાય.’