ભાજપના કયા ઉમેદવારનું થયું નિધન ? વાંચો
ભાજપના યુપીની મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું બીમારીને લીધે નિધન થયું હતું. . તેમણે 71 વર્ષની વયે રવિવારે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપે કેન્સર પીડિત કુંવર સર્વેશને ટિકિટ આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ બેઠક પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. એમના અવસાન પર ભાજપના ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું.
ભાજપએ સર્વેશ સિંહને મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા હતા. 2009માં તેઓ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા, ત્યારબાદ 2014માં તેમણે સપાના ઉમેદવાર ડૉ.એસ.ટી. હસનને હરાવ્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક મનાતા હતા. 2014માં સર્વેશ સિંહ મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વાર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. સર્વેશ કુમાર 2014માં કાંઠ વિધાનસભા ક્ષેત્રમાં લાઉડસ્પીકર વિવાદ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.