ક્યાં થી મળ્યો ૪ ભારતીયોનો મૃતદેહ
અમેરિકામાં ભારતીયો પર હુમલા અને હત્યાનો ઘાતક સિલસિલો ચાલુ જ રાખવામાં આવ્યો છે. હવે કેલિફોર્નિયામાં ભારતીય દંપતી અને તેના બે સંતાનોના લોહીથી લથપથ મૃતદેહો તેમના ઘરેથી મળી આવ્યા હતા. શંકાસ્પદ અવસ્થામાં એમના મૃત્યુ થયા હતા.

ભારે કરુણતા એ છે કે, દંપતી સાથે એમના ૪ વર્ષના બે જોડકા બાળકોના પણ મૃતદેહ મળ્યા હતા. આ પરિવાર મૂળ કેરળનો હતો. મૃતકોની ઓળખ ૪૨ વર્ષના આનંદ હેનરી, ૪૦ વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના બે જોડકા બાળકોના રૂપમાં થઈ હતી. એક પારિવારિક મિત્રએ આ બાબતે પોલીસને જાણ કરી હતી અને સહાયતા માંગી હતી.
પોલીસ ઘરે પહોંચીને તપાસ કરી હતી અને મૃતદેહોનો કબજો લીધો હતો ત્યારબાદ પોલીસે મીડિયાને એવી માહિતી આપી હતી કે, દંપતીના શરીર પર ગોળીના નિશાન હતા. પોલીસ ઘરે પહોંચી ત્યારે બાથરૂમની અંદર દંપતી મૃત હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે એમના બે જોડકા બાળકો બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે, આ બનાવ આત્મહત્યા અથવા મર્ડરનો પણ હોય શકે છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને એમના નિકટના લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસ ઘરે પહોંચી ત્યારે ઘર અંદરથી બંધ હતું અને એક બારી ખુલ્લી હતી. જેમાંથી પોલીસે પ્રવેશ કર્યો હતો.
