કોંગ્રેસની મહિલા કાર્યકરનો મૃતદેહ ક્યાંથી મળ્યો ? કોણ છે કાર્યકર ? જુઓ
હરિયાણાના રોહતક શહેરમા શનિવારે સાંપલા બસ સ્ટેન્ડ પર એક બિનવારસી સૂટકેસ મળ્યું હતું. કેટલાક લોકો જિજ્ઞાસાથી નજીક ગયા, પરંતુ જ્યારે તેમને શંકા ગઈ ત્યારે તેમણે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂટકેસ ખોલી ત્યારે તેમની સાથે ત્યાં હાજર લોકો ચોંકી ગયા, કારણ કે, આ સૂટકેસમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ કોંગ્રેસની મહિલા કાર્યકર હિમાની નરવાલની હોવાનું બહાર આવ્યું હતું.
હાથમાં મહેંદી, ગળામાં કાળા રંગની ચુંદડી, શરીર પર સફેદ રંગનું ટોપ અને લાલ રંગનું પેન્ટ, યુવતીના મૃતદેહને જોઈને એવું લાગતું હતું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને સૂટકેસમાં મૂકીને ફેંકી દેવામાં આવ્યો હોય. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ દરમિયાન કેટલાક લોકોએ મૃતકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.
રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય બીબી બત્રાને પણ આ ઘટનાની માહિતી મળી. તેમણે મૃતક યુવતી ઓળખ જણાવી હતી. તેનું નામ હિમાની નરવાલ હતું. તે કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી. તે પાર્ટીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી હતી. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઘણી વખત ભાગ લીધો હતો.
સાંપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે, ‘આ ઘટનાની માહિતી મળ્યા બાદ અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યાનો મામલો લાગે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિમાની નરવાલના પિતાએ થોડા વર્ષો પહેલા આત્મહત્યા કરી હતી. તેના એક ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી.