રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ ક્યાં જવાના છે ? શા માટે ? જુઓ
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા 2 વર્ષથી ચાલી રહેલું યુધ્ધ સમાપ્ત કરાવવા માટે આખી દુનિયાની નજર અત્યારે ભારત પર ટકેલી છે. વડાપ્રધાન મોદીએ બંને દેશોની મુલાકાત લઈને લડાઈ ખતમ કરવાની દિશામાં પ્રયાસ કર્યા હતા અને હવે ભારત સક્રિય થઈ રહ્યું છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જવાના છે.
સત્તાવાર વર્તુળોએ મીડિયાને રવિવારે એવી માહિતી આપી હતી કે બંને દેશો વચ્ચે શાંતિની ચર્ચા જલ્દી થાય તે માટે ડોભાલ ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીનો શાંતિનો પ્રસ્તાવ તેઓ પુતિનને સોંપી દેશે. પુતિન તેનો કેવો પ્રતિભાવ આપશે તે પણ જોવાનું રહેશે. આગામી સપ્તાહે ડોભાલ યાત્રા કરી શકે છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બાદ હવે ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’ તેમણે સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં આ વાત કહી હતી. જ્યારે ઈટાલીના વડાંપ્રધાને આ ટિપ્પણી કરી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા.
મેલોનીએ સંબોધન દરમિયાન કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે તો સંઘર્ષ અને સંકટ વધુ વધશે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે જેમ જેમ સંકટ આગળ વધશે તેમ વૈશ્વિક અર્થતંત્રને અસર થશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન અને આર્થિક વૈશ્વિકરણ એકસાથે ન જઈ શકે.