ઘમંડ ક્યાં કોઈનો ટક્યો છે! વર્લ્ડ કપ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી ઑસ્ટ્રેલિયા બધેથી આઉટ’: એક સમય હતો જ્યારે AUSને ક્રિકેટનું ‘સુપર બોસ’ કહેવાતું
એક સમય હતો જ્યારે ઑસ્ટ્રેલિયાને ક્રિકેટનું `સુપર બોસ’ કહેવામાં આવતું હતું. વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડકપ જેવી આઈસીસી ટૂર્નામેન્ટ હોય ત્યારે તો આ ટીમ બમણા જોર સાથે મેદાને ઉતરતી જેના લીધે હરિફ ટીમમાં એક અલગ જ પ્રકારનો ખૌફ પણ રહેતો હતો. એકંદરે લાંબા સમય સુધી ઑસ્ટ્રેલિયાએ વિશ્વક્રિકેટ ઉપર એકહથ્થું શાસન કર્યું હતું. જો કે સમયનું ચક્કર ફરી ગયું હોય તે પ્રકારે ટીમની પડતી શરૂ થઈ ચૂકી છે જેનું ઉદાહરણ ટી-20 વર્લ્ડકપમાંથી ઑસ્ટ્રેલિયાની થયેલી નિરાશાજનક વિદાય છે. ગ્રુપ-બીમાં સામેલ ઑસ્ટ્રેલિયાને પહેલાં ઝીમ્બાબ્વે અને ત્યારપછી શ્રીલંકાએ હરાવી બહારનો રસ્તો બતાવ્યો હતો. ટીમ ઑસ્ટ્રેલિયા છેલ્લે 2023 વન-ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી પરંતુ ત્યારપછી ટીમ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
કદાચ ઑસ્ટ્રેલિયા ટીમને આઈસીસી ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો શ્રાપ લાગ્યો છે. આ શ્રાપ વર્લ્ડકપ ટ્રોફીના અપમાનને કારણે લાગ્યો છે. વર્ષ 2023 વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ ઓસ્ટે્રલિયન ટીમના કેપ્ટન મીચેલ માર્શની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં માર્શ હાર્થમાં બિયરની બોટલ લઈ વર્લ્ડકપની ટ્રોફી ઉપર પગ મુકીને સોફા ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. એ સમયે ખૂબ જ વિવાદ પણ થયો હતો.
2023માં વન-ડે વર્લ્ડકપ જીત્યા બાદ આજ સુધી ટીમ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. માત્ર એટલું જ નહીં ઑસ્ટ્રેલિયા ત્યારબાદથી અત્યાર સુધી કુલ 4 આઈસીસી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે જેમાંથી એક હાર તો તેને ફાઈનલમાં મળી હતી.
વર્ષ 2023 બાદ ઑસ્ટ્રેલિયન ટીમ સૌથી પહેલાં આઈસીસી ટી-20 વર્લ્ડકપ-2024માંથી બહાર થઈ હતી. જો કે ટૂર્નામેન્ટમાં તેણે દમદાર રમત બતાવી હતી પરંતુ તે ફાઈનલ સુધી પહોંચી શક્યું ન્હોતું. આ પછી ઑસ્ટ્રેલિયાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માંથી બહાર થવું પડ્યું હતું. આ જ વર્ષે ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)માંથી બહાર ફેંકાયું હતું. ફાઈનલમાં તેને આફ્રિકાએ રગદોળ્યું હતું. હવે ટી-20 વર્લ્ડકપ-2026માંથી પણ તેણે બહારનો રસ્તો પકડવો પડ્યો છે.
