દેશમાં જથ્થાબંધ મોંઘવારી ક્યાં પહોંચી ? કેટલો છે દર ? જુઓ
દેશમાં મોંઘવારીમાં વધઘટ થતી રહે છે અને રિટેલ મોંઘવારી વધ્યા બાદ થોડા રાહતના સમાચાર આવ્યા છે. નવેમ્બરમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો ઘટીને 1.89 ટકા થયો હતો. ખાદ્ય ચીજવસ્તુઓના નીચા જથ્થાબંધ ભાવને કારણે જથ્થાબંધ ફુગાવાનો દર સાધારણ થયો છે. ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો નવેમ્બરમાં ઘટીને 1.89 ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ છે, જે ઓક્ટોબરમાં 2.36 ટકા હતો.
ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, એમ જાહેર કરાયેલ સરકારી આંકડાઓ અનુસાર થોડી રાહત મળી છે જો કે રિટેલ ગૂગયવો તો વધેલો જ છે.
ડુંગળીનો ફુગાવો ઘટીને 2.85 ટકા
ગયા વર્ષે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 0.39 ટકા હતો. સોમવારે જારી કરાયેલા સરકારી આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના ભાવ ઘટવાથી નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાને ઘટાડવામાં મદદ મળી છે.
ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો નવેમ્બરમાં ઘટીને 8.63 ટકા થયો હતો, જ્યારે ઓક્ટોબરમાં તે 13.54 ટકા હતો. શાકભાજીના ફુગાવામાં ઘટાડાને કારણે ફુગાવો 28.57 ટકા રહ્યો હતો, જ્યારે ઓક્ટોબરમાં તે 63.04 ટકા હતો. જોકે, નવેમ્બરમાં બટાકાનો ફુગાવો 82.79 ટકાના સ્તરે ઊંચો રહ્યો હતો, જ્યારે ડુંગળીનો ફુગાવો ઝડપથી ઘટીને 2.85 ટકા થયો હતો.
ઈંધણ અને પાવર કેટેગરીમાં નવેમ્બરમાં 5.83 ટકાનો ડિફ્લેશન જોવા મળ્યો હતો, જ્યારે ઓક્ટોબરમાં આ કેટેગરીમાં 5.79 ટકાનો ડિફ્લેશન જોવા મળ્યો હતો. ઉત્પાદિત માલસામાનના કિસ્સામાં, ફુગાવો નવેમ્બરમાં 2 ટકા હતો, જ્યારે ઓક્ટોબરમાં તે 1.50 ટકા હતો.