રશિયા, યુક્રેન યુધ્ધનો અંત લાવવા ક્યાં બેઠક શરૂ થઈ છે ? કોણ છે બેઠકમાં સામેલ ? વાંચો
રશિયા-યુકેન યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ 3 વર્ષથી યુદ્ધની આગમાં સળગી રહેલા આ બંને દેશોએ સમગ્ર વિશ્વમાં પોતાની અસર બતાવી છે. એવામાં હવે આ યુધ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને રશિયાના ટોચના અધિકારીઓએ મંગળવારે સાઉદી અરેબિયાના રિયાધમાં બેઠક કરી હતી. આ મંત્રણાઓ અમેરિકન નીતિ માટે પણ ખાસ છે જેમાં રશિયાને અલગ રાખવાને બદલે વાતચીત અને સર્વસંમતિનો માર્ગ શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આ બેઠકમાં યુક્રેનને આમંત્રણ નથી.
આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ રશિયન પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. રશિયન પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી ઉશાકોવ સામેલ રહ્યા છે .

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, ‘યુક્રેનની ભાગીદારી વિના કોઈપણ મંત્રણાનું પરિણામ અમને અસ્વીકાર્ય રહેશે. જો કિવને મંત્રણામાં સામેલ નહીં કરવામાં આવે તો મંત્રણા વ્યર્થ બની જશે. તેમજ અમેરિકા અને રશિયા વચ્ચે જે પણ સમજૂતી થશે તે અમને સ્વીકાર્ય નહીં હોય.’
રશિયા અને અમેરિકા વચ્ચે યોજાઇ રહેલી આ બેઠકમાં સૌથી મહત્ત્વપૂર્ણ ચર્ચા યુરોપિયન દેશોની ભૂમિકાને લઈને થઈ શકે છે. એવામાં યુક્રેનને સમર્થન કરનારાઓમાં ઘણા યુરોપિયન દેશો છે. આ કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હવે કહે છે કે, ‘અમે અમેરિકાના કહેવા પર પુતિનને શાંતિ મંત્રણા માટે ત્યારે જ મળીશું જ્યારે અમેરિકન અને યુરોપિયન નેતાઓ વચ્ચે એક સામાન્ય યોજના પર સહમતિ થશે.’ જો કે આ બેઠકમાં બાદ ટ્રમ્પ કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોન પર થયેલી લાંબી વાતચીત બાદ આ બેઠક બોલાવાઈ છે ત્યારે તેને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે અને બેઠકમાંથી શું નીકળે છે તેના તરફ દુનિયાની નજર મંડાયેલી છે.