આમાં રોગચાળો ક્યાંથી ઘટે? રાજકોટમાં રોગને ‘આમંત્રણ’ આપતાં પાણીના 20 પ્લાન્ટ પર દરોડોઃ 17માં ‘ગોલમાલ’
ઉનાળાની સીઝન હોવાથી સ્વાભાવિક રીતે ઠંડું પાણી અને બરફનો ઉપાડ વધુ રહેવાનો છે. પાણી-બરફની માંગને ધ્યાનમાં રાખી પ્લાન્ટનો ટાંકો, ફિલ્ટર સહિતને સાફ કરવાની ધંધાર્થીઓ દ્વારા તસ્દી જ લેવામાં આવતી ન હોય જોખમી બની ગયેલું પાણી કોલેરા-મરડા સહિતના રોગને `આમંત્રણ’ આપવા લાગે છે. 11 દિવસ પહેલાં એટલે કે 3-મેએ પાણી-બરફનું વેચાણ કરતાં 49 પ્લાન્ટમાં દરોડો પાડવામાં આવતાં 39માં `ગોલમાલ’ નીકળી હતી ત્યારે હવે વધુ 20 સ્થળમાંથી 17 સ્થળનું પાણી જોખમી હોવાનું ધ્યાન પર આવતાં સાત દિવસની અંદર બધું જ ઠીક કરી નાખવાની નોટિસ આપી રાજકોટ મહાપાલિકાએ ચાલતી પકડી હતી.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા બરફની ફેક્ટરી-પાણીના જગનું વિતરણ કરતાં 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં 17માં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પ્રકારનું પાણી પીવાને કારણે ઝાડા-ઊલટી, કોલેરા, મરડો સહિતની બીમારી થવાનું જોખમ હોવાનું આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણીએ જણાવ્યું હતું.
જે 17 સ્થળેથી વધુ બેક્ટેરિયાવાળું પાણી અને બરફ મળ્યો તેમાં માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મીનરલ વોટર, ગોકુલ મીનરલ વોટર, યુ.વી.મીનરલ વોટર, એક્વા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિન્કિંગ વોટર, ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસ, કિશન ડ્રિન્કિંગ વોટર, સ્વર્ગ ડ્રિન્કિંગ વોટર, રોક એક્વા, યુ.વી.વોટર, શિવશક્તિ ડ્રિન્કિંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાય અને જહલ ડ્રિન્કિંગ વોટરનો સમાવેશ થાય છે.
આ તમામને પાણી-બરફનું વેચાણ ન કરવા અને સાત દિવસની અંદર પાણીના ટાંકા, ફિલ્ટર પ્લાન્ટ સહિતની સફાઈ કરવા તાકિદ કરવામાં આવી છે. જો કે સાત દિવસ દરમિયાન આ લોકો પાણી-બરફ વેચે છે કે નહીં તેની ખરાઈ કરવા માટે મહાપાલિકાની ટીમ નહીં જાય અને સાતમા દિવસે બધું ઠીક થઈ ગયું છે કે નહીં તે જોવા માટે ફરી ટીમ જશે તેવું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ 39 આઈસ ફેક્ટરી-પાણીના જગનું વેચાણ કરતા ધંધાર્થીઓને નોટિસ ફટકારાતાં તમામે સાફ-સફાઈ કરાવી હતી !
