કાશ્મીરમાં ક્યાં થયા આતંકી હુમલા ? વાંચો
લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયાંમાં ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. આતંકીઓ હુમલા વધારી રહ્યા છે. શોપિયાંના હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને ગોળી મારી દેવામાં આવી હતી.
આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી ધરબી દીધી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પતિ-પત્ની બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરિંગ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયેલી ફાયરિંગમાં ભાજપ નેતા એજાઝ અહેમદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.