ક્યાં સંસદ સભ્યોએ કરી મારામારી ? જુઓ
રાજકારણની વાત નીકળે ત્યારે કાગડા બધે ય કાળા જ નીકળે છે. આપણે ત્યાં સંસદમાં અને વિધાનસભાઓમાં ધમાલ નવી નથી પણ વિદેશમાં તો નેતાઓએ હદ વટાવી દીધી હતી. યુરોપના દેશ જ્યોર્જિયાની સંસદમાં સાંસદોએ તમામ મર્યાદાઓને નેવે મુકી દીધી હતી. સાંસદો છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
સંસદમાં વિવાદાસ્પદ વિદેશી એજન્ટ બિલ મંજૂરી માટે મુકવામા આવ્યુ હતુ. એમ પણ આ બિલને લઈને લોકોમાં ભારે રોષ છે. દેશમાં તેની સામે આંદોલન પણ ચાલી રહ્યુ છે. બિલના ટીકાકારો કહી રહ્યા છે કે, આ બિલ સંસદમાં લાવવા પાછળ રશિયાની ભૂમિકા છે. તેનાથી દેશની સંપ્રભુતા ખતરામાં પડી શકે છે.
આમ છતા જ્યોર્જિયાની સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યુ હતુ. સત્તાધારી પાર્ટીના નેતા મામુકા મદીનારાડજે આ બિલ પર વકતવ્ય આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીના સાંસદ અલેકો એલિસાશ્વિલી પોતાની જગ્યા પરથી ઉભા થયા હતા અને મામુકાના મોઢા પર મુક્કો મારી દીધો હતો.
આ જોઈને સત્તાધારી પાર્ટીના સાંસદો દોડયા હતા અને મામુકાને બચાવ્યા હતા. એ પછી મામુકા સમર્થિત સાંસદોએ અલેકોની ધોલાઈ કરી નાંખી હતી. દેશના લોકોએ સાંસદોએ કરેલી મુક્કાબાજીના દ્રશ્યો જોયા હતા.