બિહારના લઠ્ઠાકાંડનો મૃત્યુ આંક ક્યાં પહોંચ્યો ? જુઓ
બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે.
આ કાંડમાં 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.
છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, ‘આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.’
જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભગવાનપુર પોલીસ સ્ટેશન અને ભગવાનપુર પોલીસ સ્ટેશનનાએએસઆઇ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’ આ ઘટનામાં અનેક પરિવારો નોંધારા બની ગયા છે.
