ભાજપે ક્યાં વધુ જોર રાખ્યું ? જુઓ
દક્ષિણમાં કેવો ચમત્કાર થશે ?
લોકસભાની ચુંટણીનો આ વખતનો મિજાજ અને પરિણામ બધી જ પાર્ટીઓ માટે અલગ જ રહેશે અને ધાર્યા કરતાં જુદું જ ચિત્ર ઉપસી શકે છે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. આ વખતે ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ભાજપે દક્ષિણ ભારત પર બરાબર ફોકસ રાખ્યું છે અને ખાસ કરીને તમિલ નાડુ પર વધુ જોર રાખ્યું છે.
કોંગ્રેસ દક્ષિણમાં નબળી રહી છે તે હકીકતનો ફાયદો હવે ભાજપને મળી શકે છે અને એટલા માટે ભાજપે તમિલ નાડુ માટે જોરદાર વ્યૂહરચના ઘડી છે અને તે મુજબ પ્રચારની આંધી ખુદ વડાપ્રધાન ચલાવી રહ્યા છે અને એમને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તામિલ નાડુની 39 બેઠકો પૈકી ઘણી બેઠકો ભાજપ લઈ શકે છે તેવી ગોઠવણ થઈ છે. છેલ્લા થોડાક માસમાં વડાપ્રધાને 12 વખત દક્ષિણ ભારતની મુલાકાત લીધી છે.
તમિલ નાડુમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ મહેનત કરી રહ્યા છે. ભાજપે અહીં એક ડઝન જેટલા પાર્ટનર શોધી લીધા છે. અન્નાડીમકે સાથે જોડાણ થયું નથી તો પણ અનેક પ્રાદેશિક પાર્ટીઓ ભાજપને સાથ આપી રહી છે. આ વખતે સૌને આશ્ચર્ય થાય તે રીતે તામિલ નાડુમાં ભાજપને વધુ બેઠકો મળવાની ધારણા રખાઇ રહી છે.
અહીં પીએમકે ભાજપની મજબૂત સાથી છે. આ ઉપરાંત ટીએમકે, એએમએમકે, આઇજેકે , એનજેપી અને ટીએમએમકે જેવી પાર્ટીઓ ભાજપ સાથે મેદાનમાં છે માટે લોકસભાની 39 બેઠકો માંથી ભાજપને આ વખતે નોંધપાત્ર બેઠકો મળવાની ગણતરી છે.
વડાપ્રધાને અત્યાર સુધી તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં અનેક વાર પ્રવાસ કરીને સભાઓ ગજાવી છે અને રોડ શો કર્યા છે જેમાં મોટી સંખ્યામાં લોકો એમને જોવા અને સાંભળવા ઉમટી પડ્યા હતા.
તામિલ નાડુ ઉપરાંત ભાજપે કેરળ, તેલંગણા રાજ્યોમાં પણ પ્રચારની આંધી ચલાવી છે અને આ વખતે એમને આ રાજ્યોમાં પણ સારા પરિણામની આશા જાગી છે. વડાપ્રધાન હજુ પણ દક્ષિણ ભારતનો પ્રવાસ ચાલુ જ રાખવાના છે.