સોનિયા ગાંધીએ ક્યાંથી કરી ઉમેદવારી ? વાંચો
રાજ્યસભામાં જવા તૈયારી
લોકસભા પહેલા રાજ્યસભાની બેઠકોને લઈને ચર્ચાઓનો દોર જારી રહ્યો છે ત્યારે તેની વચ્ચે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રક્રિયા પૂરી કરવા માટે બુધવારે સોનિયા ગાંધી રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. હાલ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ છે. જયપુરમાં અશોક ગેહલોત સહિતના નેતાઓએ સોનિયાનું સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસે સોનિયા ગાંધી ઉપરાંત ચાર અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી હતી. જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરેના નામ સામેલ છે.
સોનિયા ગાંધીએ આમ જ રાજસ્થાનની પસંદગી નથી કરી. એવી ચર્ચા છેકે તેઓ રાયબરેલી સીટ પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે છોડી રહ્યા છે. બરાબર એ જ રીતે જે રીતે તેમણે અમેઠી બેઠક પુત્ર માટે છોડી હતી. રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી થવાની છે. કોંગ્રેસ ત્યાં એક સીટ જીતવાની સ્થિતિમાં છે. કર્ણાટક અને તેંલગણાના કોંગ્રેસીઓએ ખુબ જોર લગાવ્યું કે સોનિયા ગાંધી ત્યાંથી રાજ્યસભા જાય. પરંતુ કોંગ્રેસે ખુબ સમજી વિચારીને સોનિયા ગાંધીને દક્ષિણથી રાજ્યસભા ન મોકલવાનું નક્કી કર્યું.