નવી સરકારનું સંસદ સત્ર ક્યારથી શરૂ થશે ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. શપથ લીધા પછી જ મોદી સરકાર 3.0 તેના સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. નવી સરકારે ખેડૂત કલ્યાણ સહિતના ઘણા નિર્ણયો લીધા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.
સૌપ્રથમ રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર બધા જ 543 સાંસદોને શપથ લેવડાવશે. જાણકારી મુજબ આ કાર્યક્રમ 18 19 અને 20 જૂન એમ 3 દિવસ સુધી ચાલશે. એ જ રીતે 20 જૂને જ લોકસભા અધ્યક્ષની ચુંટણી પણ થઈ શકે છે.
ત્યારબાદ 21 જૂને સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિનું સંબોધન થઈ શકે છે. આમ સરકાર હવે બરાબર કામે લાગી ગઈ છે અને વડાપ્રધાને મંત્રીઓને પણ 100 દિવસના રોડમેપ પર કામ કરવાની સૂચના આપી દીધી છે.
કિસાન સન્માન નિધિનો હપ્તો મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોદી સરકાર 3.0 ના પ્રથમ દિવસે કામ કરવાનું શરૂ કર્યું. મોદીએ સૌ પ્રથમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપી હતી. આનાથી 9 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેથી, તે યોગ્ય છે કે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ.