દિલ્હીના ભાજપના મુખ્યમંત્રીનું નામ ક્યારે નક્કી થશે ? જુઓ
દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી કોણ હશે તેનો ફેસલો આજે જ થઈ શકે છે . નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપની વિધાનસભા પક્ષની બેઠક આજે દિલ્હીમાં મળી રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે. દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને તોતિંગ બહુમતી મળી છે. વડાપ્રધાન મોદી અમેરિકી યાત્રા પરથી પાછા આવી ગયા છે અને હવે સરકાર બનાવવા માટેની કવાયત ઝડપી બનાવાઈ છે.

દરમિયાનમાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ભાજપની સરકારનો શપથ સમારોહ ૧૯ અથવા ૨૦મી તારીખે યોજાઇ શકે છે. ભાજપના ચૂંટાયેલા ૪૮ સભ્યોમાંથી ૧૫ નામ અલગ તારવી લેવાયા હતા અને હવે તેમાંથી ૯ નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આમાંથી જ નવા મુખ્યમંત્રીનું નામ નીકળી શકે છે . આ સાથે જ સ્પીકરનું નામ પણ નક્કી થઈ જશે .
મુખ્યમંત્રી તરીકેની રેસમાં આમ તો ૯ દિવસથી અલગ અલગ નામ બહાર આવી રહ્યા છે જો કે તેમાં મુખ્ય નામ જે ચર્ચામાં આગળ રહ્યા છે તેમાં રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા, મોહનસિંહ, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, આશિષ સૂદ, શિખા રાય અને પવન શર્માનો સમાવેશ થાય છે .
જો કે આ બધા જ ક્યાસ છે અને વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ નવું જ નામ જાહેર કરીને સરપ્રાઈઝ પણ આપી શકે છે તેવી ચર્ચા પણ થઈ રહી છે. આ બધા વચ્ચે આજે દિલ્હીમાં નવા મુખ્યમંત્રીનું નામ બહાર આવશે અને ઇન્તેજારીનો અંત આવી જશે.