શિક્ષિકાએ ઠપકો આપ્યો તો વિદ્યાર્થીઓએ ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો
હરિયાણાના ભીવાની જિલ્લાની ઘટના : ૧૩ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા :યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા
એક અનોખી ઘટનામાં હરિયાણાના ભીવાની જીલ્લાની એક શાળાના વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષકને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. અહેવાલ મુજબ ધોરણ 12 ના વિદ્યાર્થીઓના ગ્રુપે વિજ્ઞાન વિષયની શિક્ષિકાની ખુરશી હેઠળ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જોકે શિક્ષિકાની કોઈ ઈજા થઇ ન હતી. વિદ્યાર્થીઓએ યુટ્યુબની મદદથી વિસ્ફોટક બનાવતા શીખ્યા હતા, વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એક મીડિયા અહેવાલ અનુસાર શિક્ષિકાએ વિદ્યાર્થીઓના એક ટોળાને ઠપકો આપ્યો હતો, જેના થી નારાજ થયેલા વિધાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. વિદ્યાર્થીઓએ વિસ્ફોટ રિમોટ કંટ્રોલનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ યુટ્યુબ પર બોમ્બ બનાવતા અને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરતા શીખ્યા હતા.
આ ઘટના અંગે હરિયાણાના શિક્ષણ વિભાગે પગલાં લીધા છે, આ ઘટનામાં સામેલ 13 વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક શાળાની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઘટનાને પગલે ગામમાં પંચાયત બોલાવી વિદ્યાર્થીઓની હરકત અંગે ચર્ચા કરવામાં આવી હતી. ક્લાસના કુલ 15 વિદ્યાર્થીઓમાંથી, 13 આ ઘટનામાં સામેલ હતા કે આ કૃત્યથી વાકેફ હતા. તમામ વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની સામે વધુ કાર્યવાહી કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકોને શાળામાંથી કાઢી મૂકવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ વાલીઓ માફી માંગી હતી અને બાંયધરી આપી હતી. વાલીઓએ વચન આપ્યું હતું કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવી હરકત નહીં કરે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ કે શિક્ષિકાએ આ કૃત્યમાં સામેલ વિદ્યાર્થીઓને માફ કરી દીધા છે.