1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
1 માર્ચથી સિમ કાર્ડ વગર વોટ્સએપ, ટેલીગ્રામ અથવા સિગ્નલ જેવી ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ થઇ શકશે નહીં. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં કોઈપણ છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, સિમ-બાઇન્ડિંગ સાથે જોડાયેલા નિયમોમાં કોઈ છૂટ કે રાહત આપવામાં આવશે નહીં. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે 1 માર્ચથી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન ચલાવવા માટે તમારા મોબાઇલમાં સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી બની જશે.
હાલમાં ઘણા લોકો વોટ્સએપનો સિમ કાર્ડ વગર પણ ઉપયોગ કરે છે. Signal અને Telegramના કિસ્સામાં આવું ઘણું વધારે છે. કમ્પ્યુટર પર WhatsApp ચલાવનારા લોકોનું વેબ વર્ઝન દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે અને તેમને દર વખતે ફરીથી લોગ-ઇન કરવું પડશે.
તાજેતરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, WhatsAppએ સિમ-બાઇન્ડિંગ પર કામ શરૂ કરી દીધું છે. WhatsAppના બીટા વર્ઝન 2.26.8.6માં આનાથી જોડાયેલું એક પોપ-અપ જોવા મળ્યું છે. આનો અર્થ એ થાય છે કે WhatsApp, DoT એટલે કે ટેલિકોમ વિભાગના આદેશ પર કામ કરી રહ્યું છે.
DoTના આદેશ અનુસાર, જે લોકો WhatsAppનો ઉપયોગ કમ્પ્યુટર પર લિંક્ડ ડિવાઇસ તરીકે કરે છે, તેમનું સેશન દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. WhatsApp કમ્પ્યુટર પર ચાલતા સેશનને દર 6 કલાકે લોગઆઉટ કરી દેશે. ત્યારબાદ કમ્પ્યુટર પર WhatsApp વાપરવા માટે ફરીથી મુખ્ય એપથી તેને લિંક કરવું પડશે.
