યુપીની સંભલ મસ્જિદ અંગે હાઇકોર્ટે કેવો શબ્દ પ્રયોગ કર્યો ? વાંચો
મંગળવારે, અલ્હાબાદ હાઈકોર્ટે સંભલમાં શાહી જામા મસ્જિદને સફેદ કલર કરવા અને સાફ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ સમય દરમિયાન, હાઈકોર્ટે આદેશમાં સંભલ મસ્જિદને બદલે વિવાદિત માળખું લખ્યું હતું. મસ્જિદમાં સફેદ કલરની જરૂર નથી તેમ કહીને અદાલતે સફાઇ કરવાની અનુમતિ આપી હતી. એએસઆઇનો અહેવાલ રદ કરવાની મસ્જિદ કમિટી દ્વારા અરજીમાં માંગણી કરાઇ છે.
હિન્દુ પક્ષના વકીલની માંગ પર, વિવાદિત માળખાનું નામ આદેશમાં લખવામાં આવ્યું છે. તે જ સમયે, યુપી સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં આવી રહી છે.
સુનાવણી દરમિયાન, એડવોકેટ હરિ શંકર જૈને કોર્ટને મસ્જિદને ‘વિવાદિત માળખું’ તરીકે ઉલ્લેખ કરવા કહ્યું, ત્યારબાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સ્ટેનોને વિવાદિત માળખું શબ્દો લખવા કહ્યું હતું. હવે અલ્હાબાદ હાઈકોર્ટ 10 માર્ચે મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન, મસ્જિદ સમિતિએ એએસઆઇ રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. મસ્જિદ સમિતિના વાંધાઓ પર એએસઆઇએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો, ત્યારબાદ કોર્ટે જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. મસ્જિદ સમિતિનું કહેવું છે કે મસ્જિદની સફાઈ શરૂ થઈ ગઈ છે, પરંતુ નમાજ માટે સફેદ કલર કરવાની પણ મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત, મસ્જિદ સમિતિએ હાઇકોર્ટને એએસઆઇ રિપોર્ટને ફગાવી દેવાની માંગ કરી છે અને કહ્યું છે કે એએસઆઇ માલિક નહીં, પણ રક્ષક છે.