દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર કેટલો રહ્યો ? વાંચો
દેશની જનતા અને વેપારીઓને મોંઘવારીમાં થોડી રાહત મળી છે. સસ્તી શાકભાજી, ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો સતત બીજા મહિને ઘટીને 1.31 ટકા થયો હતો. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી.
ડેટા અનુસાર, આ વર્ષે જુલાઈમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ જથ્થાબંધ આધારિત ફુગાવો 2.04 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તે (-) 0.46 ટકા હતો. જો કે ઘટાડો થોડો છે છતાં રાહત મળી છે. આ દર 4 માસના નીચેના લેવલે રહ્યો છે.
ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓગસ્ટ 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી અને સાધનો વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.”
ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 3.11 ટકા હતો
માહિતી અનુસાર, ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર ઓગસ્ટમાં 3.11 ટકા હતો, જે જુલાઈમાં 3.45 ટકા હતો. આ શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે હતો, જેમાં જુલાઈમાં 8.93 ટકાની સરખામણીએ ઓગસ્ટમાં 10.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ સિવાય બટાટા અને ડુંગળીનો મોંઘવારી દર ઓગસ્ટમાં 77.96 ટકા અને 65.75 ટકાના ઉચ્ચ સ્તરે રહ્યો હતો. ઈંધણ અને પાવર કેટેગરીમાં ઓગસ્ટમાં 0.67 ટકાનો ડિફ્લેશન જોવા મળ્યો હતો જે જુલાઈમાં 1.72 ટકા હતો.