રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે શું અવરોધ સર્જાયો ? વાંચો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે કે કેમ તેના પર અત્યારથી સંકટના વાદળો ઘેરાતા જઈ રહ્યા છે. મણિપુર સરકારે ઈમ્ફાલ પૂર્વના હપ્તા કાંગજેઈબુંગથી શરૂ થનાર યાત્રાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.
સરકારે આ મામલે કહ્યું કે આ યાત્રાથી રાજ્યમાં કાયદો વ્યવસ્થા સામે સંકટ ઊભું થઇ શકે છે.
રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ મુખ્યમંત્રી એન.બિરેન સિંહે સાથેની બેઠક બાદ સીએમના બંગલા સામે જ મીડિયાને સંબોધી હતી. તેમણે કહ્યું કે સીએમ બિરેન સિંહે રેલી શરૂ કરવાના આગ્રહને નકારતાં મણિપુરમાં વર્તમાન પ્રતિકૂળ સ્થિતિનો હવાલો આપ્યો છે.
કોંગ્રેસ વતી કીશમ મેઘચંદ્રએ કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના નેતૃત્વમાં પાર્ટી એક ખાનગી સ્થળેથી કાર્યક્રમની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે પાર્ટીએ સત્તાવાર રીતે 2 જાન્યુઆરીએ એક અરજી કરી 66 દિવસની કૂચ યોજવા માગ કરી હતી.
આ યાત્રાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે 14 જાન્યુઆરીએ લીલીઝંડી બતાવશે. સીએમના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતાં મેઘચંદ્રએ કહ્યું કે 6713 કિ.મી.ની યાત્રાને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી અને તે લોકોના લાભ માટે યોજવામાં આવી રહી છે.